ટોચના સમાચાર

અમદાવાદમાં ઈતિહાસ રચાયો: ભારત બન્યું ટી-20 વિશ્વ ચેમ્પિયન, ન્યૂઝીલેન્ડને ૯૬ રનથી કરારી હાર

શીતલ ઠાકર,ગાંધીનગર

અમદાવાદ ખાતે આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈસીસી ટી-20 વિશ્વ કપની ફાઈનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતા ન્યૂઝીલેન્ડને ૯૬ રનથી હરાવી વિશ્વ ચેમ્પિયન બનવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતની આ જીત સાથે સમગ્ર દેશમાં આનંદ અને ગર્વનો માહોલ છવાઈ ગયો હતો.

ફાઈનલ મેચમાં ટોસ જીત્યા બાદ ન્યૂઝીલેન્ડે ભારતને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ભારતીય ટીમે આ તકનો પૂરતો લાભ લઈ ધડાકેદાર શરૂઆત કરી હતી. ઓપનિંગ બેટ્સમેનો દ્વારા ઝડપી રન બનાવતા ભારતે પાવરપ્લે દરમિયાન જ મજબૂત પાયો ઉભો કર્યો હતો.

ભારત તરફથી સંજુ સેમસને આક્રમક બેટિંગ કરતા ૪૬ બોલમાં ૮ છગ્ગા સાથે ૮૯ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેમની સાથે ઈશાન કિશન તથા અન્ય બેટ્સમેનો દ્વારા પણ ઝડપથી રન બનાવવામાં આવ્યા હતા. અંતિમ ઓવરોમાં શિવમ દુબેએ પણ ઝડપી રન બનાવી ભારતના સ્કોરને વધુ મજબૂત બનાવ્યો હતો.

૨૦ ઓવરના અંતે ભારતીય ટીમે ૫ વિકેટ ગુમાવી ૨૫૫ રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો, જે ફાઈનલ જેવી મોટી મેચમાં મજબૂત સ્કોર માનવામાં આવ્યો હતો.

૨૫૬ રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ શરૂઆતથી જ દબાણમાં આવી ગઈ હતી. ભારતીય બોલરોની સચોટ અને ઘાતક બોલિંગ સામે કિવી બેટ્સમેનો ટકી શક્યા નહોતા.

ભારત તરફથી જસપ્રિત બુમરાહે શાનદાર બોલિંગ કરતા માત્ર ૧૫ રન આપી ૪ વિકેટ ઝડપી ન્યૂઝીલેન્ડની ટીમને મોટો ઝટકો આપ્યો હતો. અક્ષર પટેલ સહિત અન્ય બોલરો દ્વારા પણ મહત્વપૂર્ણ વિકેટ લેવામાં આવી હતી.

ન્યૂઝીલેન્ડની સંપૂર્ણ ટીમ ૧૯ ઓવરમાં ૧૫૯ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે ૯૬ રનથી ભવ્ય જીત મેળવી વિશ્વ કપ પર કબજો જમાવ્યો હતો.

આ મેચમાં ઉત્તમ બોલિંગ પ્રદર્શન બદલ જસપ્રિત બુમરાહને “મેન ઓફ ધ મેચ” જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર રમત માટે સંજુ સેમસનને “મેન ઓફ ધ સિરીઝ”નો ખિતાબ આપવામાં આવ્યો હતો.

ભારતની જીત બાદ સમગ્ર દેશમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. અનેક શહેરો અને ગામોમાં લોકો દ્વારા ફટાકડા ફોડીને, મીઠાઈ વહેંચીને તથા ભારત માતા કી જયના નારા લગાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!