સાબરકાંઠા

હિંમતનગર નાગરિક બેંકની ચૂંટણી કાયદાના પાંજરે

કોર્ટમાં પડકાર બાદ પ્રશ્ન એ છે કે શું સહકારમાં કાયદાનું પાલન થશે?

શીતલ ઠાકર ગાંધીનગર

હિંમતનગર નાગરિક બેંકની આવનારી ચૂંટણી હવે માત્ર એક લોકશાહી પ્રક્રિયા નહીં પરંતુ કાયદાની કસોટી બની ગઈ છે. ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેની સામે પેટા કાયદાની ફરજિયાત જોગવાઈઓના ભંગના ગંભીર આક્ષેપ સાથે નોમીનીઝ કોર્ટમાં મનાઈ અરજી દાખલ થતાં સમગ્ર પ્રક્રિયા હવે કોર્ટની સીધી નજર હેઠળ આવી ગઈ છે.
હિંમતનગરના રહેવાસી મુકેશ કાંતિલાલ પટેલ દ્વારા સંયુક્ત રજીસ્ટ્રાર તથા સભ્યશ્રી, બોર્ડ ઓફ નોમીનીઝ, મહેસાણા વિભાગ સમક્ષ કરવામાં આવેલી અરજીમાં ચૂંટણી પ્રક્રિયાની કાયદેસરતા પર મૂળભૂત પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. અરજદારની દલીલ મુજબ જો ચૂંટણી જ કાયદા વિરુદ્ધની પ્રક્રિયા પરથી ઊભી થાય તો તેમાંથી નીકળતા કોઈપણ પરિણામ લોકશાહી ભાવનાને ખંડિત કરનાર બની શકે છે.
નોમીનીઝ કોર્ટ દ્વારા અરજી સ્વીકારી હિંમતનગર નાગરિક બેંકને શો-કોઝ કારણદર્શક નોટીસ જારી કરવી એ સામાન્ય પ્રક્રિયા નથી. કાનૂની દૃષ્ટિએ આ પગલું એ દર્શાવે છે કે પ્રથમ દ્રષ્ટિએ કોર્ટને મામલામાં કાયદાનો મુદ્દો જણાયો છે. વધુમાં, બેંક દ્વારા અગાઉથી કેવીયટ દાખલ કરાયેલી હોવા છતાં ચૂંટણી પ્રક્રિયા આગળ વધારવામાં આવી હોવાની હકીકત આ વિવાદને વધુ ગંભીર બનાવે છે.
સંપાદકીય દૃષ્ટિએ સૌથી મોટો પ્રશ્ન એ છે કે સહકારી સંસ્થાઓમાં ચૂંટણી માત્ર તારીખો અને જાહેરનામાથી પૂર્ણ ગણાય કે પછી કાયદાની સંપૂર્ણ અને નિષ્ઠાપૂર્વક પાલના અનિવાર્ય શરત છે? જો કોર્ટના દખલ બાદ ચૂંટણી અટકાવવામાં આવે અથવા મુલતવી રાખવામાં આવે તો તેની જવાબદારી ચૂંટણી અધિકારી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કે સંસ્થાની વ્યવસ્થાપક સત્તા પૈકી કોની ગણાશે?
આ મામલે તા.૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ નોમીનીઝ કોર્ટમાં સુનાવણી નિર્ધારિત કરવામાં આવી છે, જ્યારે બેંકના જાહેરનામા મુજબ તા.૧થી ૩ જાન્યુઆરી દરમિયાન ઉમેદવારી પત્રો ભરાવવાની પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. એટલે સ્પષ્ટ છે કે કોર્ટના દિશાનિર્દેશો ચૂંટણીની દિશા અને દશા બંને નક્કી કરશે.
સહકારી ક્ષેત્રમાં પારદર્શકતા અને વિશ્વસનીયતા જ સંસ્થાની તાકાત છે. જો કાયદાની અવગણના કરીને ચૂંટણી યોજવામાં આવે તો તે માત્ર એક બેંકનો મુદ્દો નહીં રહે પરંતુ સમગ્ર સહકારી વ્યવસ્થાની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નચિહ્ન ઉભું કરશે. હવે જોવાનું એ રહેશે કે કાયદો પ્રાધાન્ય પામે છે કે પ્રક્રિયા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!