હિમતનગર

હિંમતનગરમાં ઉતરાયણનો અનોખો ઉત્સાહ, આકાશ બન્યું રંગબેરંગી પતંગોથી છવાયેલું

સાબરકાંઠા જિલ્લામાં ઉતરાયણનો પાવન તહેવાર પરંપરાગત આનંદ અને ઉમંગ સાથે ઉજવાયો હતો. સમગ્ર દેશમાં ઉતરાયણની ઉજવણી થાય છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગર શહેર તેમજ આજુબાજુના ગામડાઓમાં ઉતરાયણનો માહોલ એક અલગ જ અંદાજમાં જામ્યો હતો. સૂર્યના ઉત્તરાયણ સાથે જ શહેરના આકાશમાં ઉડતી રંગબેરંગી પતંગોએ જાણે આકાશને જ રંગીન બનાવી દીધું હોય તેવું મનોહર દૃશ્ય સર્જાયું હતું.ઉતરાયણના પર્વને લઈને પતંગરસિયાઓ વહેલી સવારથી જ પોતાના ધાબા અને અગાસીઓ પર ઉમટી પડ્યા હતા. નાના બાળકોથી લઈને યુવાનો અને વડીલો સુધી સૌ કોઈ પતંગ ઉડાડવાની મસ્તીમાં ગરકાવ જોવા મળ્યા હતા. હાથમાં ફિરકી, દોરી અને પતંગ લઈને ‘કાયપો કાયપો’ અને ‘લપેટ લપેટ’ જેવી બૂમો સાથે પતંગરસિયાઓએ સમગ્ર વાતાવરણને ઉત્સાહભર્યું બનાવી દીધું હતું.ઘણા સ્થળોએ પતંગરસિયાઓએ પોતાની અગાસી અને ધાબા પર ડીજે ગોઠવીને સંગીતના તાલ સાથે પતંગ ઉડાડવાની મજા માણી હતી. ઢોલ-નગારા અને લોકપ્રિય ગીતોના તાલે યુવાનો નૃત્ય કરતા નજરે પડ્યા હતા, તો ક્યાંક પરિવાર સાથે મળીને પરંપરાગત રીતે ઉતરાયણ ઉજવાતી જોવા મળી હતી. સવારથી સાંજ સુધી લોકો ધાબા પરથી નીચે ઉતર્યા વગર પતંગબાજીમાં લીન રહ્યા હતા.દિવસ દરમ્યાન હિંમતનગર શહેરનું આકાશ સંપૂર્ણપણે રંગબેરંગી પતંગોથી ઢંકાઈ ગયું હતું. એક પછી એક પતંગ કપાતી અને આનંદભરી ચીસો સંભળાતી રહી હતી. ઉતરાયણનો આ ઉત્સવ માત્ર પતંગબાજી પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ તેમાં એકતા, આનંદ અને પરંપરાનો સુગંધિત સંગમ જોવા મળ્યો હતો.ઉતરાયણના પ્રથમ દિવસ બાદ હવે પતંગરસિયાઓ વાસી ઉતરાયણની પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આવતી કાલે પણ વહેલી સવારથી જ લોકો ફરી એકવાર પોતાની અગાસીઓ પર જોવા મળશે અને પતંગબાજીનો આ રંગીન ઉત્સવ યથાવત રહેશે તેવી સૌ કોઈને આશા છે.

ભારતસિંહ રાઠોડ
સાબરકાંઠા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!