સુરતમાં ૨૧ કરોડની પાણીની ટાંકી ધરાશાયી – ૭૫ વર્ષ જૂની અમદાવાદની ટાંકી આજે પણ અડગ

શીતલ ઠાકર,ગાંધીનગર
એક તરફ ૭૫ વર્ષ જૂની પાણીની ટાંકી તોડતાં પણ તૂટે નહીં અને બીજી તરફ કરોડોના ખર્ચે બનેલી નવી ટાંકી પાણી ભરતાં જ લોદા જેવી બેસી પડે – આ બે ઘટનાઓ જાહેર બાંધકામની ગુણવત્તા અને ભ્રષ્ટાચાર પર ગંભીર સવાલો ઊભા કરે છે.અમદાવાદના સારંગપુર દરવાજા પાસે આવેલી સારંગપુર પાણીની ટાંકી અંદાજે ૧૦ માળના બિલ્ડિંગ જેટલી ઊંચાઈ ધરાવતી હતી. આ ટાંકી લગભગ ૭૫ વર્ષ જૂની હતી. જ્યારે તેને તોડવાનું કામ શરૂ કરાયું ત્યારે કામ એટલું મજબૂત નીકળ્યું કે સામાન્ય સાધનોથી તે તૂટતી જ નહોતી. અંતે તેને તોડવા માટે ૮ ટન વજનની JCB ક્રેન ઉપર ચઢાવવી પડી. આ ઘટના સ્પષ્ટ કરે છે કે વર્ષો પહેલા કરવામાં આવેલું બાંધકામ કેટલી ઊંચી ગુણવત્તાનું અને ઈમાનદારીપૂર્વક કરવામાં આવ્યું હતું.બીજી તરફ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ગાય પગલા ગામ (તડકેશ્વર વિસ્તાર)માં ૨૧ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી નવી અને વિશાળ પાણીની ટાંકી ટ્રાયલ માટે પાણી ભરતાં જ આપમેળે કડડડ ભુસી પડી. ટાંકી તો બની ગઈ હતી, પરંતુ પ્રથમ જ પરીક્ષણમાં તેનું ધરાશાયી થવું બાંધકામની ગુણવત્તા, ટેક્નિકલ મંજૂરી અને દેખરેખ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.વિચારવા જેવું છે કે ૭૫ વર્ષ પહેલા બનેલું માળખું આજે પણ તોડતાં મુશ્કેલ પડે છે, જ્યારે આજના સમયમાં કરોડોના ખર્ચે બનેલું કામ એક જ ટ્રાયલમાં બેસી પડે છે. શું ૨૧ કરોડ રૂપિયાનું બજેટ માત્ર કાગળ પર જ વપરાયું? કામની ગુણવત્તા ચકાસણી કોણે કરી? જવાબદાર અધિકારીઓની દેખરેખ ક્યાં ખામી રહી?આ ઘટના માત્ર બે પાણીની ટાંકીઓની નથી, પરંતુ જાહેર નાણાંના દુરુપયોગ અને બાંધકામ ક્ષેત્રમાં વ્યાપક ભ્રષ્ટાચારનું ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. જો જવાબદારો સામે કડક અને નિષ્પક્ષ તપાસ તથા કાર્યવાહી નહીં થાય, તો જનતાનો વિશ્વાસ સરકારી તંત્ર પરથી વધુ ખસી જશે.




