પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરી કેમિકલયુકત બનાવટી દૂધના કૌભાંડનો પર્દાફાશ સલાલ રેલ્વે ક્રોસિંગ પાસેની ખાનગી ફેકટરીમાં પોલીસના દરોડા

જીજ્ઞેશ સોની હિંમતનગર
ફેકટરીમાં બનાવટી દૂધ બનાવવા માટે વપરાતો દૂધનો પાવડર, કોસ્ટિક સોડા, પામોલીન, ડિટરજન્ટ પાવડર અને યુરિયાનો ઉપયોગ થતો હતો.એલસીબીએ ચાર શખ્સો અને એક બાળકિશોર પકડાયો સાબરકાંઠા-અરવલ્લી સહિત સમગ્ર ગુજરાતમાં રહેતા લોકો રોજબરોજ દૂધનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે કેટલાક ભેજાબાજો અઢળક કમાણી કરવાની લાયમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે ત્યારે સાબરકાંઠા એલસીબીએ બાતમીને આધારે ગુરૂવારે પ્રાંતિજ તાલુકાના સલાલ રેલ્વે ક્રોસિંગ પાસેની એક ખાનગી ફેકટરીમાં હાનિકારક અને જન આરોગ્યને નુકસાન થાય તેવું નકલી દૂધના કૌભાંડનો પર્દાફાશ કરી ચાર પુખ્ત ઉંમરના અને એક બાળકિશોરને મશીનરી સહિત કેમિકલયુક્ત પદાર્થો મળી રૂા. ૭૧.ર૯ લાખના મુદ્દામાલ સાથે તેમને ઝડપી લેવામાં આવ્યા છે. ત્યારબાદ પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે જિલ્લા પોલીસવડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ તથા એલસીબીના પી.આઈ ડી.સી.સાકરીયા, પી.એસ.આઈ એસ.જેે.ચાવડા, આર.કે.જોષી તથા સ્ટાફના જણાવાયા મુજબ છેલ્લા કેટલાક દિવસથી એલસીબીને એવી બાતમી મળી હતી કે પ્રાંતિજ તાલુકાના સલાલના રેલ્વે ક્રોસિંગ પાસે સત્યાડેરી પ્રોડક્ટસ નામની ફેકટરીમાં ભેળસેળયુકત તથા કેમિકલવાળુ દૂધ અને છાશ બનાવીને તેનું વેચાણ થઈ રહ્યું છે. જે આધારે પોલીસે ગુરૂવારે બાતમીને આધારે તપાસ હાથ ધરી હતી. જ્યાં આરોગ્યને હાનિકારક તથા શરીરને નુકસાન થાય તેવા પદાર્થો પૈકી દૂધનો પાવડર, કોસ્ટિક સોડા, પામોલિન-સોયાબીન તેલ, કપડા ધોવાનો ડિટરજન્ટ પાવડર અને ખેતી કરવામાં વપરાતા યુરીયાનો ઉપયોગ થતો હતો.
ત્યારબાદ આ બનાવટી દૂધનું પેકિંગ કરી વેચાણ કરવા માટે વિવિધ ઠેકાણે વાહનોમાં ભરી મોકલવામાં આવતું હતુ. દરમ્યાન એલસીબીએ એફ.એસ.એલ તથા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને સાથે રાખી આ ખાનગી ફેકટરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં તપાસ દરમ્યાન અધિકારીઓને અંદાજે રૂા. ૭૧.ર૯ લાખનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે ખાનગી ડેરીમાં કામ કરતાં ચાર કર્મચારી અને જીતેન્દ્ર પટેલ નામના પ્લાન્ટ ઓપરેટરને ઝડપી લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં હજુ પણ અનેક ઠેકાણે મિલાવટવાળું તથા આરોગ્યને હાનિકારક દૂધ અને છાશનું વેચાણ થતું હોવાનું લોકમુખે ચર્ચાય છે ત્યારે હિંમતનગરના પશ્વિમ પટ્ટામાં પણ આવું બનાવટી દૂધ બનાવીને તેને નજીકમાં આવેલા અન્ય જિલ્લામાં મોકલાઈ રહ્યું છે ત્યારે વહીવટીતંત્રએ ખાનગીમાં તપાસ કરીને પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરનારને ઝડપી લઈ દાખલારૂપ સજા કરવી જોઈએ.
કોણ પકડાયું ?
– જીતેન્દ્ર વિઠ્ઠલભાઈ પટેલ(રહે. પીલવાઈ, તા. વિજાપુર,હાલ રહે. ગણેશ હાઈટ્સ, હંસપુરા, અમદાવાદ)
– સચિન રમણજી મકવાણા( રહે. સલાલ, ડેરીવાળુ ફળીયું)(કર્મચારી)
– કરણ કાળાજી પરમાર( રહે. સલાલ, ભાઠાવાળોવાસ)(કર્મચારી)
– અજય રામસિંહ પરમાર( રહે. સલાલ, ભાઠાવાળોવાસ)(કર્મચારી)
– કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર(કર્મચારી)
મુખ્ય ભેજાબાજ પોલીસ પકડથી દુર
સલાલ રેલ્વે ક્રોસિંગ પાસે સત્યા ડેરી પ્રોડક્ટસ નામની ફેકટરીના માલિક અને સલાલમાં રહેતા તથા હાલ હિંમતનગરના બેરણાં રોડ પર આવેલ ગુલમહોર હાઈટ્સમાં રહેતા રાકેશ ઉર્ફે ધમો નારાયણભાઈ પટેલ કે જે બનાવટી દૂધ બનાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી અઢળક કમાણી કરવાના સ્વપ્નો જોતો હતો તેને ઝડપી લેવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
નકલી દૂધ બનાવવામાં શું વપરાતું હતુ ?
સલાલ રેલ્વે ક્રોસિંગ પાસે ધમધમતી ફેકટરીમાં નકલી દૂધ બનાવવા માટે સોયાબીન તેલ, પામોલીન તેલ, દૂધની ઘનતા વધારવા માટે વપરાતો એસ.એમ.પી પાવડર, પ્રોટીન લેવલ કૃત્રિમ વધારવા માટે વ્હે પ્રોટિન, યુરીયા ખાતર, કોસ્ટિક સોડા અને ડિટરજન્ટ પાવડરનો ઉપયોગ કરાતો હતો.





