પ્રાંતિજ NH-48 કતપુર ટોલ પ્લાઝા પર IT રેડ બાદ પરિણામ કેમ જાહેર નથી થયું?

શીતલ ઠાકર ગાંધીનગર
નેશનલ હાઇવે-48 પર આવેલ પ્રાંતિજ તાલુકાના કતપુર ટોલ પ્લાઝા પર થોડા સમય પહેલા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વ્યાપક સર્ચ (રેડ) ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ આ કાર્યવાહી એક દિવસની નહીં પરંતુ સતત ત્રણ દિવસ સુધી ચાલી હતી, જેમાં ટોલ પ્લાઝાની ઓફિસ, નાણાકીય દસ્તાવેજો, ડિજિટલ રેકોર્ડ તથા ટોલ ટેક્સ વસુલાત સંબંધિત હિસાબોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી.
આ IT સર્ચ દરમિયાન કતપુર ટોલ પ્લાઝા પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર પ્રાંતિજ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. કાર્યવાહી દરમ્યાન સ્થળ પર હાજર કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા ત્યાં હાજર કર્મચારીઓ તથા જવાબદાર લોકોને એવું જણાવવામાં આવ્યું હતું કે “સર્ચ બાદ ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા આગળથી સંપર્ક કરવામાં આવશે.” પરંતુ આ ઘટનાને હવે ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી કોઈ નોટિસ, કોઈ સત્તાવાર કાર્યવાહી કે કોઈ સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવી નથી.
ત્રણ દિવસ સુધી ચાલેલી આ IT રેડ બાદ પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કોઈ પ્રેસ નોટ, મીડિયા બ્રીફિંગ અથવા અધિકૃત નિવેદન બહાર આવ્યું નથી. જેના કારણે રેડ દરમિયાન શું મળ્યું, તપાસ કયા તબક્કે છે અને આગળ શું કાર્યવાહી થવાની છે તે બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા સામે આવી નથી.
ઉલ્લેખનીય છે કે NH-48 પર આવેલ કતપુર ટોલ પ્લાઝા પરથી દરરોજ લાખો રૂપિયા અને મહિને કરોડો રૂપિયાનું ટોલ ટેક્સ વસૂલાતો થાય છે. જનતા પાસેથી વસૂલાતી આવી મોટી રકમ સાથે સંકળાયેલી જગ્યાએ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હોવા છતાં તેની વિગતો જાહેર ન થવી અનેક પ્રશ્નો ઊભા કરે છે.
ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ જેવી કાર્યવાહી સામાન્ય રીતે નિયમસર અને મજબૂત શંકાના આધારે જ કરવામાં આવે છે. પરંતુ એટલી ગંભીર અને લાંબા સમય સુધી ચાલેલી કાર્યવાહી બાદ પણ તેના પરિણામો અંગે કોઈ માહિતી જાહેર ન થવી તે પારદર્શિતા અને જવાબદારી અંગે સવાલ ઉભા કરે છે.
આ સંજોગોમાં જિલ્લા કલેકટર દ્વારા આ સમગ્ર મામલે ધ્યાન આપીને તપાસ કરવી જરૂરી બની છે કે પ્રાંતિજ તાલુકામાં થયેલી આ પ્રકારની IT કાર્યવાહી બાદ માહિતી જાહેર કેમ કરવામાં આવી નથી અને હાલ આ કેસ કયા તબક્કે છે. સાથે જ જિલ્લાના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ દ્વારા પણ જનહિતને ધ્યાનમાં રાખીને યોગ્ય ભૂમિકા ભજવવાની માંગ ઉઠી રહી છે.
જાહેર હિતને ધ્યાનમાં રાખીને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા NH-48 પર આવેલા પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર થયેલી ત્રણ દિવસીય સર્ચ કાર્યવાહી અંગે સ્પષ્ટ અને સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવે તે હવે સમયની માંગ બની ગઈ છે, કારણ કે ટોલ ટેક્સ રૂપે વસૂલાતો જનતાનો દરેક રૂપિયા સ્વચ્છ, નિયમસર અને જવાબદારીપૂર્વક વપરાય તે લોકશાહી વ્યવસ્થાની મૂળભૂત ફરજ છે.




