ટોચના સમાચાર

હિંમતનગર નાગરિક બેંકની ચૂંટણી વચ્ચે કાનૂની દાવપેચ

શીતલ ઠાકર,ગાંધીનગર

હિંમતનગર નાગરિક બેંકની આગામી તા.૧૧ જાન્યુઆરીએ યોજાનાર ૧૩ બેઠકોની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ચૂંટણી સાથે જોડાયેલી કાનૂની કાર્યવાહીથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. શુક્રવારે ઉમેદવારી પત્રો ભરવાના બીજા દિવસે ત્રણેય વિભાગોમાં મળી વધુ ૧૨ ઉમેદવારી પત્રો ભરાયા હતા. બે દિવસમાં કુલ ૨૯ ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારીને સુપ્રત કરાયા હોવાનું જાણવા મળ્યું છે.

જાહેરનામા મુજબ ઉમેદવારી પત્રો ભરવાની મુદત આજે અંતિમ દિવસે પૂર્ણ થવાની છે, જેના કારણે અંતિમ દિવસે વધુ ઉમેદવારી પત્રો ભરાય તેવી સંભાવનાને નકારી શકાતી નથી. પ્રથમ બે દિવસમાં જ નોંધપાત્ર સંખ્યામાં ઉમેદવારી પત્રો ભરાતા આ વખતની નાગરિક બેંકની ચૂંટણી કડક સ્પર્ધાવાળી અને ઉગ્ર બનતી જઈ રહી હોવાના સંકેતો મળી રહ્યા છે.

હિંમતનગર નાગરિક બેંકની કુલ ૧૩ બેઠકોમાંથી ૧૦ બેઠક સામાન્ય વર્ગ, ૦૨ બેઠક મહિલા વર્ગ અને ૦૧ બેઠક અનુસૂચિત જાતિ (અનામત) માટે ફાળવવામાં આવી છે. ઉમેદવારી પત્રો ભરવાના બીજા દિવસે ભરાયેલા ૧૨ ઉમેદવારી પત્રોમાં સામાન્ય વિભાગમાં ૦૫, મહિલા વિભાગમાં ૦૨ તથા અનુસૂચિત જાતિ (અનામત) વિભાગમાં ૦૫ ઉમેદવારી પત્રો જરૂરી વિગતો સાથે ચૂંટણી અધિકારીને સુપ્રત કરવામાં આવ્યા છે.

આ તરફ, હિંમતનગર નાગરિક બેંકની ચૂંટણીને લઈને એક જાગૃત નાગરિક દ્વારા મહેસાણા નોમીનીઝ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીના અનુસંધાને શુક્રવારે બેંક તરફથી તેના વકીલ મારફતે જરૂરી દસ્તાવેજો અને વિગતો સાથે જવાબ રજુ કરવામાં આવ્યો હોવાનું બેંકના આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આ મામલે હવે તા.૫ જાન્યુઆરીના રોજ વધુ સુનાવણી થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચકાસણી, ઉમેદવારી પત્રો પરત ખેંચવાની કાર્યવાહી અને આખરી ઉમેદવારોની યાદી જાહેર થયા પછી ચૂંટણીનું સાચું ચિત્ર સ્પષ્ટ થશે. જોકે કાનૂની દાવપેચ વચ્ચે પણ મેદાનમાં ઉમેદવારો રાત-દિવસ મતદારોનો સંપર્ક સાધી રહ્યા છે અને ચૂંટણી પ્રચાર માટે એડીચોટનું જોર લગાવી રહ્યા છે, જેનાથી આવનારા દિવસોમાં નાગરિક બેંકની ચૂંટણી વધુ ગરમ બનવાની પૂરી શક્યતા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!