હાઈકોર્ટમાં સુનાવણી બાદ નાગરિક બેંક ચૂંટણી મુદ્દે કાયદાકીય ચર્ચા તેજ

શીતલ ઠાકર ગાંધીનગર
હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિવાદમાં ગુરુવારે નવી સ્થિતિ ઊભી થઈ છે. નોમિનીઝ કોર્ટના હુકમ બાદ ચૂંટણી લડી રહેલા એક ઉમેદવાર દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવેલી રજૂઆત પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી બાદ હાલની સ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા અંગે કોઈ તાત્કાલિક બદલાવ થયો નથી, જેના પગલે શહેરમાં કાયદાકીય ચર્ચા અને તર્ક-વિતર્ક વધુ તેજ બન્યા છે.હાઈકોર્ટના આદેશની સત્તાવાર નકલ ગુરુવારે સાંજ સુધી ચૂંટણી અધિકારીને પ્રાપ્ત ન થઈ હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં, ચૂંટણી અધિકારીઓ કાયદાના નિષ્ણાતોની સલાહ લઈને કાયદાની મર્યાદામાં રહી આગળની પ્રક્રિયા હાથ ધરશે તેમ જણાવ્યું છે. બીજી તરફ, આગામી તા. ૧૧ જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણી માટે મતદાન સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે અને કાયદાકીય ચર્ચા વચ્ચે પણ તમામ ઉમેદવારો પ્રચારમાં સક્રિય રહ્યા છે તથા મતદારોના પ્રશ્નોના જવાબમાં કાયદા મુજબ જે નિર્ણય આવશે તેનું પાલન કરવા પ્રતિબદ્ધ હોવાનું જણાવી રહ્યા છે.
કાયદાકીય વિશ્લેષણ
નોમિનીઝ કોર્ટના હુકમમાં ચૂંટણી અધિકારીએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ કાર્યવાહી કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે બેંકિંગ રેગ્યુલેશન એક્ટની કલમ ૧૦-એ(ર-એ)ને આધાર બનાવી ઉમેદવાર દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. નાગરિક બેંક દ્વારા અગાઉથી દાખલ કરાયેલ કેવિયેટને કારણે બંને પક્ષોની દલીલો સુનાવણી દરમિયાન સાંભળવામાં આવી હતી. કાયદાના જાણકારોમાં મતભેદ છે કે નોમિનીઝ કોર્ટના હુકમનો અમલ કેવી રીતે થવો જોઈએ, જ્યારે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે કલમ ૧૦-એ(ર-એ)ના અર્થઘટનમાં સ્પષ્ટતા ન હોવાથી હાલની ચૂંટણી પ્રક્રિયામાં કોઈ સીધી કાનૂની અડચણ ઉભી થતી નથી. કાયદાકીય રીતે જોવામાં આવે તો હાલ ચૂંટણી પ્રક્રિયા યથાવત આગળ વધે તેવી સ્થિતિ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.




