હિમતનગર

હિંમતનગરમાં પોલીસ પેટ્રોલિંગ નિષ્ફળ? મહિલાનો સોનાનો દોરો લૂંટાયો, સરકાર સામે કડક સવાલ

હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પેલેસ રોડ વિસ્તારમાં બે દિવસ અગાઉ એક મહિલાની સાથે લૂંટની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી છે. પૂજા કરીને ઘરે પરત ફરી રહેલી મહિલાના ગળામાંથી બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ અંદાજે રૂ.૧.૬૦ લાખની કિંમતનો દોઢ તોલા સોનાનો દોરો લૂંટી ફરાર થઈ ગયા હતા.

આ અંગે અમીપાર્ક સોસાયટીમાં રહેતા રમિલાબેન સુરેશભાઈ પ્રજાપતિએ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ મુજબ, ગત તા.૩ મેના રોજ તેઓ સવારના સમયે સાબરકાંઠા બેંક સામે આવેલ પીપળાના વૃક્ષ પાસે પૂજા કરી ઘરે પગપાળા જઈ રહ્યા હતા. તે દરમિયાન બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ અચાનક નજીક આવી તેમના ગળામાંથી દોઢ તોલાનો સોનાનો દોરો ઝૂંટવી લીધો અને તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પરંતુ વારંવાર બનતી દોરા લૂંટની ઘટનાઓ સામે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે ગુનો નોંધાયા બાદ પીડિતાને વાસ્તવમાં ન્યાય કેટલો મળે છે. જિલ્લામાં વર્ષોથી બનતા આવા કિસ્સાઓમાં મોટી સંખ્યામાં દોરાઓની પુનઃપ્રાપ્તિ થતી નથી, જે પોલીસ તપાસની અસરકારકતા પર સીધો સવાલ ઊભો કરે છે.

ઘણા કિસ્સાઓમાં પંચનામા અને કાયદાકીય કાર્યવાહી બાદ પણ પીડિતાને સોનાનો દોરો પરત મળતો નથી, જેના કારણે સામાન્ય નાગરિકોમાં વિશ્વાસઘાતની લાગણી ઊભી થાય છે અને અનેક લોકો ફરિયાદ નોંધાવવા પણ આગળ આવતા નથી.

ભારતીય સંસ્કૃતિમાં ગૃહિણીઓ માટે સોનાનું વિશેષ સ્થાન હોય છે. તેઓ આવા દોરા વર્ષો સુધી પરિવારના ભવિષ્ય માટે સાચવી રાખે છે. આવા બનાવો માત્ર આર્થિક નુકસાન નહીં પરંતુ ગૃહિણીઓ માટે ભાવનાત્મક આઘાત સમાન છે.

આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સામે સ્પષ્ટ સવાલ ઊભો થાય છે કે દોરા લૂંટારુ ગેંગ્સ સામે કડક અને પરિણામકારક કાર્યવાહી ક્યારે થશે? માત્ર ગુનો નોંધવાનો અને કાગળ પર કાર્યવાહી પૂરતી નથી, પરંતુ આરોપીઓને ઝડપીને દોરાની વાસ્તવિક પુનઃપ્રાપ્તિ સુનિશ્ચિત કરવી એ તંત્રની જવાબદારી છે.

શહેરમાં વધતી આવી ઘટનાઓને પગલે ઉચ્ચ અધિકારીઓએ સીધી નજર રાખી, જવાબદારી નક્કી કરી અને કડક પગલાં લેવાની તાત્કાલિક જરૂરિયાત ઉભી થઈ છે. હાલમાં લોકોમાં સુરક્ષા અને ન્યાય અંગે ગંભીર અસંતોષ જોવા મળી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!