હિંમતનગરમાં સાંસદની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

જીગ્નેશ સોની હિંમતનગર
હિંમતનગર ખાતે શનિવારે સાબરકાંઠા-અરવલ્લીના સાંસદની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ શોભનાબેન બારૈયા તથા જિલ્લા કલેકટરે જણાવ્યું હતુ કે જળ વ્યવસ્થાપનમાં મહિલા શક્તિનું યોગદાન પાયાનું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તેમજ સુજલામ શક્તિ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના અંતર્ગત ૧૯ પાણી સમિતીની મહિલાઓનો રૂા. ૯.પ૦ લાખના ચેક વિતરણ કાર્યક્રમ હિંમતનગરના સર્કિટહાઉસમાં યોજાયો હતો.જેમાં સાંસદ શોભાનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નલ સે જલ અભિયાનને સાચા અર્થમાં સફળ બનાવવાનું શ્રેય ગ્રામીણ માતા-બહેનોને જાય છે. પાણી સમિતિ દ્વારા ગામના જળ વ્યવસ્થાપનની જવાબદારી ઉપાડીને મહિલાઓએ સાબિત કર્યું છે કે તેઓ માત્ર ઘર જ નહીં પણ ગામના વિકાસના પાયાના પ્રશ્નો ઉકેલવામાં પણ સક્ષમ છે. જળ સંચય એ જ આવતીકાલની સુરક્ષા છે અને આ ક્ષેત્રે મહિલાઓનું નેતૃત્વ પ્રશંસનીય છે. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ગામોની મહિલા પાણી સમિતિઓને તેમની કામગીરીના પ્રોત્સાહન રૂપે મહાનુભાવોના હસ્તે જિલ્લાની ૧૯ ગામોની પાણી સમિતીઓને રૂા. ૯.પ૦ લાખના ચેક અર્પણ કરાયા હતા. ઉપરાંત દરેક ગામની પાણી સમિતીને રૂા. પ૦ હજારના ચેક અપાયા હતા. કાર્યક્રમ દરમિયાન મહિલા પાણી સમિતિના સદસ્યોએ અનુભવો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સુજલામ શક્તિ દિવસ અંતર્ગત જળ મહોત્સવ અભિયાન ગાવ કા ઉત્સવ – દેશ કા મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંલગ્ન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




