હિંમતનગર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત:તંત્ર ગાઢ નિંદ્રામાં

ભારત સિંહ રાઠોડ સાબરકાંઠા
હિંમતનગર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત:તંત્ર ગાઢ નિંદ્રામાં
હિંમતનગર શહેર તથા આસપાસના વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. શહેરના માર્ગો પર ગમે ત્યારે રખડતા પશુઓ દ્વારા રાહદારીઓ તથા વાહનચાલકોને ઈજા પહોંચવાની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે. તંત્રના નઠોર અને બેદરકાર વલણના કારણે અનેક નિર્દોષ નાગરિકો તેનો ભોગ બની રહ્યા છે.મંગળવારે સવારે હિંમતનગરની શ્યામ સુંદર સોસાયટી વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી હતી. સોસાયટીમાં રહેતા દસ વર્ષીય બાળક વર્ણ ધર્મેન્દ્રકુમાર પટેલ સાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો, તે સમયે અચાનક એક રખડતી ગાય દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ગાયે બાળકને જમીન પર પાડી દેતાં સતત ૧૫થી૨૦ મિનિટ સુધી હુમલો ચાલુ રાખ્યો હતો.ઘટનાસ્થળે હાજર એક મહિલાએ બચાવ માટે બૂમાબૂમ કરી હતી. બાદમાં એક વ્યક્તિ લાકડી લઈને દોડી આવતા ગાયને દૂર કરવામાં આવી, જેના કારણે બાળકનો જીવ બચી ગયો. સદ્નસીબે બાળકને ગંભીર ઈજા ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી.આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે નગરપાલિકા તથા સંબંધિત તંત્ર દ્વારા રખડતા પશુઓ મુદ્દે માત્ર દેખાવની કાર્યવાહી કરવામાં આવે છે. પશુમાલિકોને ખુલ્લી છૂટ આપવામાં આવી હોવાની ચર્ચા પણ લોકમુખે ચાલી રહી છે. સમયાંતરે પશુઓ પકડવાની કાર્યવાહી થતી હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં કોઈ સ્થાયી અને અસરકારક પગલાં લેવાતા નથી.નાગરિકોનું સ્પષ્ટ કહેવું છે કે તંત્ર દ્વારા અપનાવવામાં આવતી ઢીલી નીતિના કારણે જ આવા બનાવો વારંવાર સામે આવી રહ્યા છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી જાનહાની થવાની શક્યતા નકારી શકાતી નથી. શહેરવાસીઓએ રખડતા પશુઓ સામે તંત્ર દ્વારા તાત્કાલિક, કડક અને અસરકારક પગલાં લેવાય તેવી જોરદાર માંગ ઉઠાવી છે




