ચૂંટણી પહેલા હિંમતનગરમાં દારૂ ઝડપાયો : ૩૮૨ બોટલ સાથે એક આરોપી ઝડપાયો

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગર શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમ બન્યો છે ત્યારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ સતર્ક બની છે. એ ડિવિઝન પોલીસે શહેરના શારદાકુંજ વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
દરોડા દરમિયાન પોલીસે કુલ ૩૮૨ નંગ દારૂની બોટલો જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ત્રણેય સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા તલાશ હાથ ધરાઈ છે.
પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ ચૂંટણીના માહોલનો લાભ લઈ ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો એકત્ર કરી વેચાણ કરતા હતા. શહેરમાં આવી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા મુખ્ય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ચેકિંગ અને પેટ્રોલિંગ વધુ કડક બનાવવામાં આવ્યું છે.
જિલ્લા પોલીસ દ્વારા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા તત્વો સામે સખત પગલાં લઈ કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ પ્રતિબદ્ધ હોવાનું સામે આવ્યું છે.




