દારૂની હેરાફેરી માટે અપનાવ્યો નવો કીમિયો
ફૂટ ભરવાની પેટીઓની આડમાં લઈ જવાતો લાખોનો જથ્થો પ્રાંતિજ પોલીસે ઝડપી પાડ્યો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કતપુર ટોલટેક્ષ નજીકથી શનિવારે પ્રાંતિજ પોલીસે બાતમીના આધારે નાકાબંધી કરી એક પીકઅપ ડાલામાંથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે અંદાજે રૂ.૫.૮૨ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ ચાલક વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એમ. વાળા અને સ્ટાફને મળેલી ચોક્કસ બાતમી મુજબ હિંમતનગર તરફથી આવી રહેલ પીકઅપ ડાલા નં. GJ-17-XX-5450માં લાકડામાં બનાવેલી ફૂટ ભરવાની પેટીઓની આડમાં દારૂ અને બીયરનો જથ્થો સંતાડી લઈ જવાઈ રહ્યો હતો. બાતમીના આધારે પોલીસે કતપુર ટોલટેક્ષ નજીક નાકાબંધી ગોઠવી વાહનને અટકાવી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમ્યાન પીકઅપ ડાલામાંથી અંદાજે રૂ.૨,૮૪,૬૨૫ની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત વાહનની કિંમત રૂ.૩ લાખ ગણતા કુલ રૂ.૫.૮૨ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો હતો.
આ મામલે પોલીસે પીકઅપ ડાલાના ચાલક પુનમચંદ ઉર્ફે પુરણ કાલુલાલ રાવત (રહે. ફલાડોર, તા. ભીંડર)ની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. દારૂની હેરાફેરી માટે કોઈપણ પ્રકારના પાસ-પરમીટ કે આધાર પુરાવા રજૂ ન કરી શકતા પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.




