સાબરકાંઠામાં પશુપાલકો માટે ‘૧૯૬૨’ અને હરતા-ફરતા પશુ દવાખાના બન્યા સંજીવની: એક જ વર્ષમાં ૯૫,૮૦૦થી વધુ પશુઓને નવજીવન

પશુપાલન ક્ષેત્રે રાજ્ય સરકારનો સંવેદનશીલ અભિગમ સાબરકાંઠા જિલ્લામાં પશુધન માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં (એપ્રિલ-૨૦૨૫ થી માર્ચ-૨૦૨૬) જિલ્લામાં પશુ આરોગ્ય સેવાની ઉત્કૃષ્ટ કામગીરીના પરિણામે કુલ ૯૫,૮૫૧ પશુઓને ઘરઆંગણે ગુણવત્તાસભર સારવાર પૂરી પાડવામાં આવી છે. જેમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ ‘કરુણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨’ દ્વારા ૪,૮૬૦ ગંભીર કિસ્સાઓમાં તાત્કાલિક પ્રતિસાદ આપી પશુઓના જીવ બચાવવામાં આવ્યા છે, જ્યારે જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કાર્યરત ૧૬ હરતા-ફરતા પશુ દવાખાનાઓ (૧૦ ગામ દીઠ યોજના) દ્વારા ૯૦,૯૯૧ પશુઓની સ્થળ પર જ સારવાર કરી પશુપાલકોની ચિંતા દૂર કરવામાં આવી છે.
જ્યારે પશુ બીમાર હોય કે અકસ્માત થાય, ત્યારે સમયસર મળેલી ડોક્ટરની મદદ પશુપાલકો માટે મોટી રાહત બની જાય છે. સાબરકાંઠામાં આ સરકારી સેવાઓએ પશુપાલકોનો વિશ્વાસ જીતી લીધો છે. ગામડાંના લોકોની કમાણીનો મુખ્ય આધાર પશુપાલન છે, અને હવે ઘરઆંગણે જ આવી સારી સારવાર મળતી હોવાથી પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવું પડતું નથી. સાબરકાંઠા જિલ્લો પશુઓની સંભાળ રાખવામાં આગળ વધી રહ્યો છે અને આ સુવિધા પશુપાલકો માટે પશુઓની મુશ્કેલીના સમયની સાથી બની છે.”




