તાપી

તાપી જિલ્લામાં જ્ઞાનધારા પાઠશાળાઓ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાજ્યકક્ષાએ યોજાયેલી ઉજવણી અંતર્ગત ઉકાઈ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં જ્ઞાનધારા વાજરડા પાઠશાળાના બાળકોએ પોતાની કલા અને પ્રતિભાનું અદભુત પ્રદર્શન કરી ઉપસ્થિત મહાનુભાવો અને પ્રેક્ષકોનાં દિલ જીતી લીધાં હતાં.સર્વાંગી વિકાસ માટે કાર્યરત જ્ઞાનધારા પાઠશાળા દ્વારા આ પ્રસંગે બાળકોમાં રહેલી છૂપી પ્રતિભાને મંચ પૂરો પાડવામાં આવ્યો, જેના પરિણામે બાળકોએ પોતાની કળા ખૂબ જ સુંદર રીતે રજૂ કરી. બાળકોની આ સિદ્ધિ પાછળ પાઠશાળાના શિક્ષિકા નિર્મલાબેનની મહેનત અને માર્ગદર્શન મહત્ત્વનું રહ્યું હોવાનું જણાવાયું છે.

તાપી જિલ્લામાં 60 પાઠશાળાઓમાં ઉજવણી

તાપી જિલ્લાના વ્યારા, ડોલવણ, સોનગઢ, ઉકાઈ અને ઉચ્છલ એમ પાંચ તાલુકાઓમાં આવેલી જ્ઞાનધારાની કુલ 60 પાઠશાળાઓમાં પણ 1500થી વધુ બાળકોએ ઉત્સાહભેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી. બાળકોએ પોતાના પરંપરાગત પોશાક પહેરી, પરંપરાગત વાદ્યો વગાડી અને લોકનૃત્ય રજૂ કરી ઉજવણીમાં ભાગ લીધો હતો.આ પ્રસંગે નાના ભૂલકાઓએ સમાજને એવો સંદેશ પણ આપ્યો કે વિશ્વના ખૂણેખૂણે આ ઉત્સવ ઉજવીને આપણી પરંપરા અને સંસ્કૃતિનું ગૌરવ તથા એકતાનું પ્રદર્શન કરવું જોઈએ અને આ વારસો આવનારી પેઢીઓ માટે જાળવી રાખવો જોઈએ.

માનવતા જાગૃત ટ્રસ્ટ તરફથી શુભેચ્છા

આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, કલા અને અસ્મિતાના જતન તથા નવી પેઢીને તેના ગૌરવથી પરિચિત કરાવવાના આ કાર્યમાં જોડાયેલા તાપી જિલ્લાના તમામ લોકોને માનવતા જાગૃત ટ્રસ્ટ પરિવાર તરફથી વિશ્વ આદિવાસી દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

“આદિવાસી સંસ્કૃતિ આપણું ગૌરવ, આપણી પરંપરા આપણી ઓળખ અને આપણા બાળકો આપણું ભવિષ્ય.”

જય આદિવાસી • જય જ્ઞાનધારા • જય માનવતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!