હિમતનગર

હિંમતનગર શહેર કોંગ્રેસ સમિતિનું નગરપાલિકા સામે આંદોલન: બોગસ બેંક ગેરંટી અને ગટર સમસ્યા મુદ્દે તંત્રને પત્ર

હિંમતનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજ જી. બારોટના નેતૃત્વમાં કોંગ્રેસ કાર્યકરોએ આજે હિંમતનગર નગરપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજી, ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને બે અલગ-અલગ મુદ્દે લેખિત રજૂઆત સુપરત કરી હતી. કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ સાથે નગરપાલિકા સામે સૂત્રોચ્ચાર કરી જવાબદારોને બચાવવાનું બંધ કરી FIR દાખલ કરવાની માંગ કરી હતી.

બોગસ બેંક ગેરંટી કૌભાંડ મુદ્દે FIRની માંગ

રજૂઆતમાં જણાવાયું છે કે નગરપાલિકાની ટેન્ડર પ્રક્રિયામાં ઉમા એજન્સી દ્વારા રજૂ કરાયેલી બેંક ગેરંટી બોગસ અને બનાવટી હોવાની ગંભીર બાબત સામે આવી છે. જો સત્તાવાર તપાસમાં આ ગેરંટી ખોટી સાબિત થાય તો તે નગરપાલિકાની ટેન્ડર પ્રક્રિયા અને જાહેર નાણાંની સુરક્ષા સાથે સંકળાયેલો ગંભીર મામલો બની શકે છે. કોંગ્રેસ સમિતિએ માંગ કરી છે કે બેંક ગેરંટીની બેંક પાસેથી સત્તાવાર ચકાસણી કરાવવામાં આવે, ગેરંટી બોગસ સાબિત થાય તો સંબંધિત એજન્સી અને વ્યક્તિઓ સામે તાત્કાલિક FIR નોંધાય, તેમજ ટેન્ડર પ્રક્રિયામાં સંડોવાયેલા જવાબદાર અધિકારીઓ/પદાધિકારીઓની ભૂમિકાની પણ નિષ્પક્ષ તપાસ થાય. બેદરકારી કે ગેરરીતિ સાબિત થાય તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે.

વોર્ડ નં. ૩માં ગટર સમસ્યા મુદ્દે તાત્કાલિક નિરાકરણની માંગ

બીજી રજૂઆતમાં વોર્ડ નં. ૩માં વારંવાર ઉભરાતી ગટર લાઈન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ છે. ગટરનું ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળતાં સ્થાનિક રહીશો રોગચાળાના ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હોવાનું જણાવાયું છે. વારંવાર રજૂઆતો છતાં કાયમી ઉકેલ ન અપાયો હોવાનો આક્ષેપ કરતાં કોંગ્રેસ સમિતિએ ગટર લાઈનની ટેકનિકલ તપાસ કરી જૂની લાઈનો બદલી યોગ્ય ક્ષમતાવાળી નવી લાઈન નાખવા, ઉભરાટ સ્થળોની તાત્કાલિક સફાઈ કરવા અને સમસ્યાના કાયમી નિરાકરણ સુધી રહીશોને રાહત આપવાની માંગ કરી છે. પત્રમાં ચેતવણી અપાઈ છે કે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો લોકશાહી ઢબે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે, જેની જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે.

આ પ્રસંગે નગરપાલિકા કચેરીના પગથિયાં પર મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ કાર્યકરો, પદાધિકારીઓ હાજર રહી “ગેરંટી કૌભાંડની તપાસ કરો, દોષિતો સામે FIR કરો”, “પ્રજા ગંદકીમાં, સત્તા નિંદ્રામાં” જેવા સૂત્રો લખેલા પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!