હિમતનગર

ગણેશજીની મૂર્તિ લેવા હિંમતનગરમાં ઉમટ્યા ભક્તો, મહારાષ્ટ્ર-કલકત્તાની મૂર્તિનો ક્રેઝ

માટીની મૂર્તિ મોંઘી છતાં માંગમાં આગળ, પીઓપીની મૂર્તિઓ સસ્તી અને આકર્ષક ફિનિશિંગથી બજારમાં ટક્કર આપે છે

ગણેશોત્સવની ઘડીઓ નજીક આવતા જ હિંમતનગરના બજારોમાં ગણપતિ બાપાની મૂર્તિઓની ખરીદીનો માહોલ જામ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં મૂર્તિઓના સ્ટોલ અને દુકાનો પર ભક્તોની અવરજવર વધી રહી છે. ખાસ કરીને આ વર્ષે સામાન્ય મૂર્તિઓ કરતાં મહારાષ્ટ્ર અને કલકત્તા કલેક્શનની મૂર્તિઓ તરફ લોકોનું આકર્ષણ વધુ જોવા મળી રહ્યું છે.

મૂર્તિઓના બજારમાં રૂ.૧૫૦થી લઈને રૂ.૨૨,૫૦૦ સુધીની નાની-મોટી મૂર્તિઓ ઉપલબ્ધ છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને માટીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ ખરીદવાનો આગ્રહ પણ કેટલાક ભક્તોમાં જોવા મળી રહ્યો છે. જોકે કુદરતી રંગો, ડિઝાઇન અને બનાવટમાં વધુ મહેનત થતી હોવાથી માટીની મૂર્તિઓ પીઓપીની સરખામણીએ મોંઘી પડે છે.

મૂર્તિ વેચાણ સાથે સંકળાયેલા વેપારીના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્ર કલેક્શનની મૂર્તિઓની આ વર્ષે ખાસ માંગ છે. ૬ ઈંચથી લઈને ૫ ફૂટ સુધીની માટીની મૂર્તિઓ ઉપલબ્ધ છે અને રૂ.૩૫૦ની મૂર્તિઓનું પણ આશરે ૧૨૦ જેટલું બુકિંગ થઈ ચૂક્યું છે. બીજી તરફ મૂર્તિ ભંડારના પ્રવિણભાઈના જણાવ્યા મુજબ તેમની પાસે રૂ.૨૦૦થી રૂ.૧૦ હજાર સુધીની માટીની મૂર્તિઓ ઉપલબ્ધ છે અને મહારાષ્ટ્ર તથા કલકત્તા કલેક્શનને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

પીઓપીની મૂર્તિઓના બજારમાં પણ ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોતીપુરા કેનાલ ફ્રન્ટ ખાતે મૂર્તિઓનું વેચાણ કરતા ઈશ્વરભાઈ બાવરીએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ૨૦થી ૨૫ વર્ષથી ગણપતિની મૂર્તિઓના વેચાણ સાથે સંકળાયેલા છે. તેમની પાસે એક ફૂટથી લઈને ૧૦ ફૂટ સુધીની મૂર્તિઓ ઉપલબ્ધ છે. પીઓપીની મૂર્તિઓ હલકી હોવા ઉપરાંત આકર્ષક ફિનિશિંગ ધરાવતી હોવાથી ગ્રાહકોમાં તેની પણ માંગ રહે છે.

પીઓપીની નાની મૂર્તિઓ રૂ.૨૦૦થી રૂ.૧,૫૦૦ સુધીના ભાવે ઉપલબ્ધ છે, જ્યારે પંડાલો માટેની મોટી મૂર્તિઓ રૂ.૨૦ હજારથી રૂ.૩૫ હજાર સુધીના ભાવે અગાઉથી બુકિંગના આધારે તૈયાર કરવામાં આવે છે.

ગણેશોત્સવ પૂર્વે હિંમતનગરમાં મૂર્તિઓની ખરીદી માત્ર શહેર પૂરતી સીમિત રહી નથી. સાબરકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારો ઉપરાંત રાજસ્થાનના આબુરોડથી પણ ભક્તો ગણપતિ બાપાની મૂર્તિ લેવા હિંમતનગર પહોંચી રહ્યા છે. ગણેશચતુર્થીના એક દિવસ પૂર્વે બજારમાં વધેલી ચહલપહલને જોતા આગામી કલાકોમાં મૂર્તિઓની ખરીદીમાં હજુ વધારો થવાની શક્યતા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!