પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન: આઠ લાખ ઈકો-બ્રિક્સનો કીર્તિમાન, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધ

ધોળકા સ્થિત આધ્યાત્મિક કેન્દ્ર શાંતિવન ખાતે રવિવારે “પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન”નો પાંચમો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. કપડવંજ તાલુકાની વાર્તાનો વડલો શાળામાંથી ચાર વર્ષ પહેલાં શરૂ થયેલું આ અભિયાન આજે સમગ્ર ગુજરાતમાં એક વ્યાપક જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે.
આઠ લાખ ઈકો-બ્રિક્સનો આંકડો પાર
આ અભિયાન અંતર્ગત અગાઉ રાજ્યની 3,200 શાળાના બે લાખ બાળકોએ 6 લાખ વેસ્ટ બોટલ એકત્રિત કરી હતી. ત્યારબાદ વધુ 125 શાળાના 30,000 વિદ્યાર્થીઓએ બે લાખ બોટલો એકત્રિત કરતાં કુલ આઠ લાખ ઈકો-બ્રિક્સ બોટલોનો આંકડો પાર થયો છે. આ સિદ્ધિની નોંધ India Book of Recordsમાં લેવામાં આવી છે.
જીનલકુમારીનું સન્માન
પ્લાસ્ટિક મુક્ત શાળા અંતર્ગત જીનલકુમારી અશોકસિંહ કુંપાવતને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ એવોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યાં. બાળ અધિકાર આયોગ, ગાંધીનગરના સચિવ શ્રી દિનેશભાઈ કાપડિયા તથા પૂર્વ મદદનીશ સચિવ શ્રી પુલકિતભાઈ જોશીના હસ્તે આ પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, રેકોર્ડ પ્રમાણપત્રનું વિતરણ વડ વાવો અભિયાનના પ્રણેતા શ્રી રજનીભાઈ પટેલ તથા કેડિલાના સિનિયર મેનેજર શ્રી દવે સાહેબના હસ્તે પણ કરવામાં આવ્યું હતું.
આયોજકો
સમગ્ર કાર્યક્રમનું આયોજન વાર્તાનો વડલો પ્રાથમિક શાળા, કપડવંજના મિનેષ પ્રજાપતિ તથા દોસ્ત ફાઉન્ડેશનના અનિલ રોહિત દ્વારા કરવામાં આવ્યું હતું.પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન દ્વારા “પ્લાસ્ટિક ઘટાડો, પર્યાવરણ બચાવો અને બાળકોમાં જવાબદારીની ભાવના જગાવો”નો સંદેશ સમગ્ર ગુજરાતમાં પહોંચાડવામાં આવી રહ્યો છે.




