હિંમતનગર લૉ કોલેજમાં ઓરીએન્ટેશન પ્રોગ્રામ અને સર્ટિફિકેટ વિતરણ સમારોહ યોજાયો

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગર ખાતે તા. ૨૫-૦૮-૨૦૨૬ના રોજ એલએલ.બી. તથા એલએલ.એમ.ના સેમેસ્ટર–૧ના નવપ્રવેશિત વિદ્યાર્થીઓ માટે ઓરીએન્ટેશન પ્રોગ્રામ તેમજ કોલેજના વિવિધ કાર્યક્રમોમાં વિજેતા અને ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. બિનલબેન પટેલે ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ અને કારકિર્દી અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે હિંમતનગર બાર એસોસિએશનના પ્રમુખશ્રી રાજેન્દ્રકુમાર વી. શર્મા સર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને કાયદાના ક્ષેત્રમાં રહેલી વિવિધ તકો, વકીલાતના વ્યવસાયની ગરિમા અને ભવિષ્યની કારકિર્દી અંગે ખૂબ જ ગહન અને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં વિજેતા થયેલા અને ઉત્સાહભેર ભાગ લેનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. જય પ્રકાશ જાની અને ડો. પારસબેન દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતે ડો. વૈદેહી પંડ્યાએ આભાર વિધિ કરી હતી.
કોલેજના સમગ્ર સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓના અભૂતપૂર્વ સહયોગથી આ સંપૂર્ણ કાર્યક્રમ અત્યંત ઉત્સાહપૂર્ણ અને સકારાત્મક વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.




