“તું મારા વિરૂદ્ધ કેમ ખોટી અરજીઓ કરે છે” કહી યુવક પર હુમલો: રાજકીય અગ્રણી સહિત ત્રણ સામે ગાંભોઈ પોલીસમાં ફરિયાદ

હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશન સીમાડામાં આવેલ ચાંપલાનાર ગામે રાજકીય અગ્રણી અને તેમના સાથીદારો દ્વારા એક યુવકને આંતરી, ગાળો આપી, જાતિવિષયક અપશબ્દો બોલી તેમજ ઢોરમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર બનાવો સામે આવ્યો છે. આ અંગે ભોગ બનનાર યુવકે ગાંભોઈ પોલીસ મથકે ત્રણ ઈસમો વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર બનાવ?
મળતી માહિતી મુજબ, ચાંપલાનાર ગામના રહીશ હરેશભાઈ નાનજીભાઈ વાલ્મિકી ગત તારીખ ૧૮ ઓક્ટોબરના રોજ રાત્રિના સુમારે પોતાની બાઈક (નંબર: GJ-09-DJ-5718) લઈને ગામમાંથી ઘર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ગામના જૂના પશુ દવાખાના પાસેથી પસાર થતી વખતે રાજકીય અગ્રણી તરીકે ઓળખ ધરાવતા અને હિંમતનગરમાં વ્યવસાય સાથે સંકળાયેલા કમલેશ ચંદુભાઈ બારોટ, ભાવિક અંબાલાલ બારોટ અને સંજય અમરતસિંહ મકવાણાએ તેમને રસ્તામાં આંતરીને ઊભા રાખ્યા હતા.
જાતિવિષયક અપશબ્દો બોલી ઢોરમાર માર્યો
યુવકને ઊભો રાખ્યા બાદ કમલેશ બારોટે ઉશ્કેરાઈને કહ્યું હતું કે, “તું મારા વિરૂદ્ધમાં કેમ ખોટી અરજીઓ કરે છે?” તેમ કહી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ જાતિપ્રતિ લક્ષી અપશબ્દો ઉચ્ચારી અપમાનિત કર્યા હતા અને “અહીંથી જતો રહે” તેમ કહી યુવકનો હાથ પકડી ખેંચાખેંચી કરી હતી. આ દરમિયાન ત્રણેય જણાએ ભેગા મળી યુવકને ગડદાપાટુનો ઢોરમાર માર્યો હતો.
હુમલા દરમિયાન કમલેશ બારોટે હરેશ વાલ્મિકીને હાથે ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે ભોગ બનનાર હરેશભાઈ વાલ્મિકીએ સોમવારે ગાંભોઈ પોલીસ મથકે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.




