રાજનીતિ

નાગરિક બેંકની ચૂંટણીમાં ઉમેદવારી પાત્રતા મુદ્દે ઘમાસાણ કુલ ૬૧ ઉમેદવારી પત્રો ભરાયા, ચકાસણી બાદ ૫૯ પત્રો યોગ્ય ઠર્યા

શીતલ ઠાકર,હિમતનગર

હિંમતનગર નાગરિક બેંકની ચૂંટણી પ્રક્રિયામાં કુલ ૬૧ ઉમેદવારી પત્રો ભરાયા બાદ કેટલાક ઉમેદવારી પત્રોની પાત્રતા અંગે કાયદાકીય પ્રશ્ન ઊભો થયો છે. આ મુદ્દો ગુજરાત સહકારી સંસ્થાઓ અધિનિયમ, 1961 તથા તેમાં કરવામાં આવેલા સુધારાઓની વ્યાખ્યાને લઈને ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.સહકારી અધિનિયમની કલમ 145(2A) તથા સંબંધિત ચૂંટણી નિયમો મુજબ સહકારી બેંકના ડિરેક્ટર તરીકે સતત નિર્ધારિત સમયગાળા કરતાં વધુ સમય સેવા આપનાર વ્યક્તિને ફરીથી ચૂંટણી લડવા માટે અયોગ્ય ગણવાની જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈનો હેતુ સહકારી સંસ્થાઓમાં લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવવાનો અને લાંબા સમય સુધી એક જ વ્યક્તિ સત્તામાં રહે તે અટકાવવાનો છે.અધિનિયમમાં થયેલા સુધારાઓ અનુસાર નિર્ધારિત કાર્યકાળ પૂર્ણ થયા બાદ તરત ફરી ઉમેદવારી કરવાની મનાઈ તથા વચ્ચે ફરજિયાત વિરામ રાખવાની જોગવાઈ અમલમાં મુકવામાં આવી છે. જો આ જોગવાઈઓનું પાલન ન થતું હોય તો ઉમેદવારી પત્ર અમાન્ય ઠરાવી શકાય તેવી સત્તા ચૂંટણી અધિકારીને આપવામાં આવી છે.ચૂંટણી નિયમો મુજબ ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન જો કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન થતું જણાય તો વાંધા સ્વીકારી નિયમસર નિર્ણય લેવો ફરજિયાત બને છે. આ પ્રક્રિયામાં ચૂંટણી અધિકારીને તમામ રજૂઆતો પર વિચાર કરી કાયદા મુજબ નિર્ણય લેવાનો અધિકાર પ્રાપ્ત છે.સહકારી કાયદા હેઠળ ચૂંટણી સંબંધિત વિવાદોમાં મહેસાણા નોમીનીઝ કોર્ટને અધિકારક્ષેત્ર પ્રાપ્ત હોવાથી ઉમેદવારી પાત્રતા અંગેનો મુદ્દો કાનૂની તપાસના દાયરામાં આવ્યો છે. આ સંદર્ભે તા. ૫ જાન્યુઆરીએ નોમીનીઝ કોર્ટમાં રીટ અરજીની સુનાવણી નક્કી હોવાથી નાગરિક બેંકની ચૂંટણી માટે આ તારીખ મહત્વપૂર્ણ બની છે.કોર્ટમાં થનારી સુનાવણી દરમિયાન સહકારી અધિનિયમની કલમો અને નિયમોના અમલ અંગે ચર્ચા થવાની શક્યતા છે, જેના આધારે ચૂંટણીની આગળની પ્રક્રિયા અંગે દિશા નક્કી થવાની હોવાથી સમગ્ર મામલો કાનૂની દૃષ્ટિએ મહત્વનો બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!