રાજનીતિ

વિશ્વ પર્યાવરણ દિવસે કોંગ્રેસનો સરકાર પર પ્રહાર: ગુજરાતમાં વનજમીન ડાયવર્ટ, વૃક્ષ આવરણમાં ઘટાડો અને હજારો જગ્યાઓ ખાલી

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ રાજ્ય સરકારની પર્યાવરણ અને વન સંરક્ષણ નીતિઓ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 25 વર્ષ દરમિયાન ગુજરાતમાં વૃક્ષ આવરણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જ્યારે વનજમીનનો મોટા પ્રમાણમાં અન્ય હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે.

ડૉ. કઠવાડીયાના જણાવ્યા મુજબ ગ્લોબલ ફોરેસ્ટ વોચના આંકડા પ્રમાણે છેલ્લા 25 વર્ષમાં ગુજરાતમાં કુલ 100 હેક્ટર વૃક્ષ આવરણ ઘટ્યું છે, જેના પરિણામે અંદાજે 100 કિલોટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન થયું છે. રાજ્યના કુદરતી વનોમાં 69 હેક્ટરનો ઘટાડો નોંધાયો છે, જે 6.1 કિલોટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન સમકક્ષ હોવાનું તેમણે જણાવ્યું.

જિલ્લાવાર જોવામાં આવે તો નર્મદા જિલ્લામાં સૌથી વધુ 27 હેક્ટર વૃક્ષ આવરણનું નુકસાન થયું છે. ત્યારબાદ ડાંગ જિલ્લામાં 25 હેક્ટર અને દાહોદ જિલ્લામાં 22 હેક્ટર વૃક્ષ આવરણ ઘટ્યું હોવાનું તેમણે જણાવ્યું.

વનાગ્નિની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે વર્ષ 2026 દરમિયાન ગુજરાતમાં 522 હાઈ એલર્ટ આગની ઘટનાઓ નોંધાઈ છે. છેલ્લા 25 વર્ષમાં આગના કારણે 9 હેક્ટર વૃક્ષ આવરણ નષ્ટ થયું છે. વધુમાં 6 જૂન 2022થી 1 જૂન 2026 દરમિયાન ગુજરાતના જંગલોમાં 16,331 VIIRS ફાયર એલર્ટ નોંધાયા હોવાનું તેમણે જણાવ્યું, જેને ચોંકાવનારો આંક ગણાવ્યો હતો.

રાજ્ય સરકારના ગુજરાત ફોરેસ્ટ સ્ટેટિસ્ટિક્સ 2024-25 રિપોર્ટનો ઉલ્લેખ કરતાં ડૉ. કઠવાડીયાએ જણાવ્યું કે વર્ષ 2024-25 દરમિયાન રાજ્યની 1,313.39 હેક્ટર વનજમીન અન્ય હેતુઓ માટે ડાયવર્ટ કરવામાં આવી છે. જેમાંથી 854.63 હેક્ટર જમીન રોડ અને ટ્રાન્સમિશન લાઇન માટે તથા 421.31 હેક્ટર જમીન ઉદ્યોગો અને ટાઉનશિપ વિકાસ માટે ફાળવવામાં આવી છે. ઉપરાંત 15.63 હેક્ટર જમીન સિંચાઈ પ્રોજેક્ટ માટે આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.

વન વિભાગમાં માનવબળની અછતનો મુદ્દો ઉઠાવતા તેમણે જણાવ્યું કે વિભાગમાં મંજૂર 8,949 જગ્યાઓ સામે માત્ર 5,459 કર્મચારીઓ કાર્યરત છે, જ્યારે 3,490 જગ્યાઓ ખાલી છે. તેમાં ક્લાસ-1ની 75, ક્લાસ-2ની 165, ક્લાસ-3ની 2,686 અને ક્લાસ-4ની 564 જગ્યાઓ ખાલી હોવાનું તેમણે જણાવ્યું.

કોંગ્રેસ પક્ષે રાજ્ય સરકારને વન વિભાગની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા, વન સંરક્ષણ માટે અસરકારક પગલાં લેવા તથા રાજ્યમાં વૃક્ષ આવરણ વધારવા માટે ગંભીરતાપૂર્વક કામગીરી કરવાની માંગ કરી છે.

વન વિભાગમાં ખાલી જગ્યાઓની સ્થિતિ

વિભાગ મંજૂર જગ્યાઓ ભરેલી જગ્યાઓ ખાલી જગ્યાઓ
ક્લાસ-1 163 88 75
ક્લાસ-2 746 581 165
ક્લાસ-3 7,368 4,682 2,686
ક્લાસ-4 672 108 564
કુલ 8,949 5,459 3,490

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!