પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ પર પોલીસ અધિકારી દ્વારા મારપીટના આક્ષેપ મામલે વિવાદ ગરમાયો

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સાથે મારપીટ થઈ હોવાના આક્ષેપો બાદ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ઘટનાને લઈને પોલીસની કામગીરી અને ફરિયાદ નોંધવામાં થયેલા વિલંબ અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે.
મળતી માહિતી મુજબ, પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ દરજીએ ચાંગોદર પોલીસ સ્ટેશનના PSI સોનલ રાઠોડ દ્વારા તેમની સાથે મારપીટ કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. ઘટનાના સંદર્ભમાં જણાવાયું છે કે 1 જૂનના રોજ ગોપાલભાઈને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા, પરંતુ તે સમયે તેમની ફરિયાદ નોંધવામાં આવી નહોતી.
સોશિયલ મીડિયામાં મુદ્દો ઉઠ્યા બાદ 4 જૂનના રોજ ગોપાલભાઈની ફરિયાદના આધારે Rights of Persons with Disabilities Act, 2016 ની કલમ 92(a), 92(b) તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ PSI સોનલ રાઠોડ અને અન્ય એક વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
મામલામાં ફરિયાદ નોંધવામાં ચાર દિવસનો વિલંબ કેમ થયો, પીડિતની તાત્કાલિક મેડિકલ તપાસ શા માટે કરાવવામાં આવી નહીં અને ઘટનાસ્થળ પોલીસ સ્ટેશન હોવા છતાં પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયામાં વિલંબ કેમ થયો તેવા સવાલો ચર્ચામાં છે.
આક્ષેપો મુજબ, 3 જૂનના રોજ પોલીસ અધિકારીઓ પીડિતના નિવાસસ્થાને પહોંચ્યા હતા, પરંતુ સત્તાવાર FIR ત્યારબાદના દિવસે નોંધાઈ હતી. આ અંગે પણ વિવિધ પ્રકારની અટકળો વ્યક્ત થઈ રહી છે.
આ સમગ્ર ઘટનાના પગલે PSI સોનલ રાઠોડને ફરજમુક્ત (સસ્પેન્ડ) કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જોકે, ફરિયાદી પક્ષ દ્વારા માત્ર આરોપી અધિકારી જ નહીં પરંતુ કેસની શરૂઆતની કામગીરી સાથે સંકળાયેલા અન્ય પોલીસ અધિકારીઓની ભૂમિકા અંગે પણ તપાસની માંગ ઉઠાવવામાં આવી રહી છે.
કાયદા જાણકારોના જણાવ્યા મુજબ દિવ્યાંગ વ્યક્તિઓ વિરુદ્ધ અત્યાચાર સંબંધિત જોગવાઈઓ ગંભીર સ્વરૂપની ગણાય છે અને આવા કેસોમાં નિષ્પક્ષ તપાસ તથા પુરાવાઓનું સંરક્ષણ અત્યંત મહત્વનું બને છે.
હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની હકીકતો અને જવાબદારી અંગે સ્પષ્ટતા થઈ શકશે.



