ચિઠોડા ગામ પંચાયતમાં નદીમાંથી મેળવેલા ગ્રેવલ પર પાયા વિના દિવાલ નિર્માણ, વીડિયો વાયરલ

શીતલ ઠાકર,ગાધીનગર
વિજયનગર તાલુકામાં બાંધકામ અનિયમિતતા અને ખનિજ ચોરીની શંકા
વિજયનગર તાલુકાના ચિઠોડા ગામ પંચાયત વિસ્તારમાં ચાલી રહેલા બાંધકામને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. નદીમાંથી મેળવવામાં આવતું રેવલ (નદીજન્ય ખનિજ) કોઈ મજબૂત પાયો કે ટેક્નિકલ આધાર વિના દિવાલ નિર્માણમાં ઉપયોગમાં લેવાઈ રહ્યું હોવાનું વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલે ચર્ચા જાગી છે.નિયમો અને બાંધકામના ધોરણોને અવગણીને કરવામાં આવતું આ કામ બાંધકામ અનિયમિતતા સાથે સરકારી નાણાંના દુરુપયોગની શંકા ઊભી કરે છે. સાથે જ, નદીમાંથી ગ્રેવલ ઉપાડવા માટે ખાણ તથા ખનિજ વિભાગની પૂર્વ મંજૂરી ફરજિયાત હોવા છતાં પરવાનગી વગર તેનો ઉપયોગ કરાયો હોય તો આ બાબત ખનિજ ચોરી અને અનધિકૃત ખનનના દાયરામાં આવે છે.આ સમગ્ર બાબતે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ એસો દ્વારા ફોન ઉપાડવામાં ના આવતા કોઈ સ્પષ્ટ પ્રતિસાદ મળી શક્યો નથી. આ કામગીરી તાલુકા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ ચાલી રહી હોવા છતાં કોઈ રોકટોક ન થવી ચિંતાજનક બાબત છે. ઉપરાંત, જિલ્લા વિકાસ અધિકારી સુધી પણ આ મુદ્દાની જાણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, પરંતુ તે જાણ વાયરલ વીડિયો દ્વારા નહીં પરંતુ વહીવટી સ્તરે હોવાના સંકેત મળી રહ્યા છે.સ્થાનિક સ્તરે માંગ ઉઠી છે કે સમગ્ર બાંધકામની તાત્કાલિક ટેક્નિકલ તપાસ કરવામાં આવે, ગ્રેવલના સ્ત્રોત અને પરવાનગી અંગે સ્પષ્ટતા કરવામાં આવે અને જો ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ તથા સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.

