પોશીનાની પનારી નદીના પુલ પરથી ચોરીના બાઈક સાથે એક ઝડપાયો

જીગ્નેશ સોની હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પનારી નદીના પુલ પાસેથી બાતમીને આધારે પોશીના પોલીસે આંતર રાજ્યના બાઈકની ચોરી કરતાં એક શખ્સને બે દિવસ અગાઉ ઝડપી લઈ તેની પાસેથી ચોરાયેલું બાઈક પકડી લેવામાં આવ્યું હતુ.આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પોશીનાના પી.આઈ ડી.એન.સાધુ તથા પી.એસ.આઈ આર.કે.ગજ્જર તથા સ્ટાફ શુક્રવારે તેમની હદમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે એવી બાતમી મળી હતી કે એક ઈસમ ચોરી કરેલું બાઈક લઈ રાજસ્થાનથી પોશીના તરફ આવી રહ્યો છે જે આધારે પોલીસે પનારી નદીના પુલ પર વાહનચેંકિંગ શરૂ કર્યું હતુ. દરમ્યાન બાતમી મુજબ આવી રહેલ બાઈક સવારને અટકાવી પુછપરછ કરતાં તેની પાસેથી બાઈક નં. આરજેર૭સીક્યુ ૩૩ર૯ ના દસ્તાવેજી પુરાવા રજૂ કરવા કહ્યું હતુ.પરંતુ પકડાયેલા મુકેશ સાયબા ખૈર(રહે. જોગીવર, તા. કોટડા, જી. ઉદેપુર) હોવાનું જણાવી કોઈ આધાર પુરાવા રજૂ કર્યા ન હતા. તેથી પોલીસે બાઈક કબજે લઈ તપાસ કરતાં મુકેશ ખૈરએ બાઈક રાજસ્થાનના પીંડવાડા પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી કર્યું હોવાનું જાહેર થયા બાદ તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




