સાબરડેરીમાં ઘર્ષણથી ભડક્યો વિવાદ, મોડાસામાં ટેકેદારો આમને-સામને — નકલી દૂધ મુદ્દે પૂર્વ સાંસદે તપાસની માંગ

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરડેરીમાં નકલી દૂધ મુદ્દે ઊભેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ડિરેક્ટરો વચ્ચે થયેલા ઘર્ષણના પડઘા મોડાસામાં પણ સંભળાયા છે. મોડાસા તાલુકા સંઘ કાર્યાલય આગળ બે ડિરેક્ટરના ટેકેદારો આમને-સામને આવી જતા ઉગ્ર બોલાચાલી અને મારામારીની ઘટના બનતાં વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. ઘટનામાં એક વ્યક્તિને ઇજા પહોંચતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી સાબરડેરીમાં નકલી અને કેમિકલયુક્ત દૂધ અંગે ચર્ચાઓ અને આક્ષેપો ચાલી રહ્યા હતા. આ મુદ્દે આંતરિક મતભેદો ચરમસીમાએ પહોંચતા જાહેરમાં ઘર્ષણ સર્જાયું હોવાનું માનવામાં આવે છે. બનાવ બાદ સહકારી ક્ષેત્રમાં ભારે ચકચાર મચી છે અને સંસ્થાની વિશ્વસનીયતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
આ દરમિયાન સાબરકાંઠા–અરવલ્લીના પૂર્વ સાંસદે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી સમગ્ર નકલી દૂધ પ્રકરણની ઊંડાણપૂર્વક, નિષ્પક્ષ તથા સમયબદ્ધ તપાસ કરવાની માંગ કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે નકલી દૂધનો કારોબાર માત્ર આર્થિક ગેરરીતિ નહીં પરંતુ જન આરોગ્ય સામે ગંભીર જોખમ સમાન છે. આવા કૃત્યો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવી અનિવાર્ય છે.
પૂર્વ સાંસદે વધુમાં માંગ કરી છે કે જરૂર જણાય તો સમગ્ર મામલો સ્વતંત્ર એજન્સીને સોંપી સત્ય હકીકત જાહેર કરવામાં આવે અને દોષિતો સામે દૃઢ પગલાં લેવાય. જિલ્લાવાસીઓ અને દૂધ ઉત્પાદકોમાં પણ પારદર્શક તપાસ અને જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ તેજ બની છે.




