હિમતનગર

હિંમતનગરમાં પોલીસની ખોટી ઓળખ આપી રાહદારીનું અપહરણ કર્યુ

બે શખ્સોએ મોબાઈલ અને રોકડ લૂંટી લીધી, બંને પકડાઈ ગયા

જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગરના ટાવરચોક વિસ્તારમાં બે દિવસ અગાઉ મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ઓડા ગામના અને હાલ હિંમતનગરના નવા-ખેડતસીયા રોડ પર રહેતો એક યુવાન ખરીદી કરવા માટે આવ્યો હતો ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ પોલીસની ખોટી ઓળખ આપી યુવાનનું અપહરણ કરી લૂંટ ચલાવી ભાગી ગયા હતા. ત્યારબાદ બી.ડીવીઝન પોલીસે ભોગ બનનાર યુવકનું નિવેદન લીધા બાદ સીસીટીવી ફૂટેજને આધારે લૂંટ કરનાર બે શખ્સોને બી ડિવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
આ અંગેની વિગત એવી છે કે ગત તા. ૧ માર્ચના રોજ સાંજના સુમારે ટાવર ચોક વિસ્તારમાં બનેલી ઘટના અનુસાર હિંમતનગરના નવા ખેડ તસિયા રોડ પર રહેતા અક્ષય કાંતિલાલ ખરાડી હોળીની ખરીદી કરવા ટાવર ચોક આવ્યા હતા. સાંજે ૪ વાગ્યાના સુમારે નંબર વગરની બાઈક પર આવેલા બે શખ્સોએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી અક્ષય પર બાઈક ચોરીનો આરોપ મૂક્યો હતો.
ત્યારબાદ આ શખ્સોએ અક્ષયને પોતાની બાઈક પર વચ્ચે બેસાડી અપહરણ કર્યું હતું અને તેને હિંમતનગરના મહેતાપુરા હાથમતી નદીના ઢાળમાં લઈ ગયા હતા. જ્યાં આ બંને જણાએ અક્ષયને લાફા મારીને તેની પાસેથી મોબાઈલ ફોન અને ખિસ્સામાંથી રોકડા રૂ.૩૦૦૦ બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. ત્યારબાદ અક્ષય ખરાડીએ આ અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસને જાણ કરતા ડી સ્ટાફે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા મોટરસાઈકલ પર અક્ષયને લઈ જનાર બંને શખ્સોની ઓળખ થઈ હતી.
જે આધારે પ્રવિણભાઈ ઉર્ફે પુસીયો અશોકભાઈ ભાટ (રહે. જૂની સિવિલ સામે, ભાટવાસ, હિંમતનગર) અને દીપકકુમાર હસમુખભાઈ ભાટ (રહે. ભોલેશ્વર પ્રાથમિક શાળા સામે, ભાટવાસ, હિંમતનગર) ને પાંચબત્તી વિસ્તારમાંથી ઝડપી પાડયા હતા પોલીસે લૂંટમાં ગયેલો મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલી બાઈક પણ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બી ડિવીઝનના પીઆઈ એ.બી. ચૌધરીએ જણાવ્યું હતું કે, પ્રવિણભાઈ ઉર્ફે પુસીયો અશોકભાઈ ભાટ વિરુદ્ધ બી ડિવિઝનમાં જુગાર, વિદેશી દારૂ, લૂંટ અને મારામારી સહિતના સાત ગુના નોંધાયેલા છે. ઉપરાંત, એ ડિવીઝનમાં બે અને અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે. અગાઉ તેને પાસા હેઠળ અમરેલી જેલમાં પણ મોકલવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!