હિંમતનગરમાં હત્યાનો બનાવ: આરોપીનું બીજા જ દિવસે કુદરતી મોત, પોલીસે બંને બનાવની તપાસ શરૂ કરી

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગર તાલુકાના આગીયોલ ગામમાં થયેલી હત્યાની ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે. જૂની અદાવતના કારણે મોહનભાઈ રાવળની નિર્દયી હત્યા કરવામાં આવી હતી. ઘટનાના બીજા જ દિવસે આરોપી કાનાભાઈ ભીખાભાઈ મકવાણાનું પણ મોત થતાં મામલો ચર્ચામાં આવ્યો છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આરોપીનું મોત કુદરતી હોવાનું બહાર આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, તા. ૨૮ માર્ચની રાત્રિના સમયે મોહનભાઈ રાવળ પોતાના ઘર બહાર નીકળ્યા હતા, તે દરમિયાન આરોપી કાનાભાઈ ભીખાભાઈ મકવાણાએ જૂની અદાવતના કારણે તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ગંભીર હતો કે મોહનભાઈ રાવળનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ બાદ સમગ્ર ગામમાં ભય અને શોકનો માહોલ ફેલાયો હતો.ઘટનાની જાણ થતા જ પરિવારજનો દ્વારા ગાંભોઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.


ત્યારબાદ બીજા જ દિવસે સવારના સમયે આરોપી કાનાભાઈ ભીખાભાઈ મકવાણાનો મૃતદેહ ગામડી ગામની સીમ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું.પોસ્ટમોર્ટમના પ્રાથમિક અહેવાલ મુજબ આરોપીનું મોત કુદરતી કારણોસર થયેલું હોવાનું સામે આવ્યું છે.

પોલીસ અધિકારી સ્મિત ગોહિલ (ડીવાયએસપી) દ્વારા જણાવાયું કે હત્યાના ગુનામાં કાનૂની પ્રક્રિયા અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.




