મુખ્યમંત્રીએ હિંમતનગરમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું
ઉમેદવારો અને કાર્યકરોએ મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું

શીતલ ઠાકર,ગાંધીનગર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શુક્રવારે સાબરકાંઠાના હિંમતનગર શહેરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે નગરપાલિકાના વોર્ડ નં. ૧ ખાતે ભાજપના ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.

મુખ્યમંત્રી બપોર બાદ તલોદ તાલુકાના રણાસણ રોડ માર્ગે હિંમતનગર પહોંચ્યા હતા. શહેરના મારૂતિ સોસાયટી નજીક સ્થાનિક કાર્યકરો અને આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ મહેતાપુરા વિસ્તારમાં આવેલા વોર્ડ નં. ૧ના ચૂંટણી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ભાજપના ઉમેદવાર ગોપાલસિંહ રાઠોડ, જિલ્લા સંગઠન પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, ધારાસભ્ય રમણ વોરા, વી.ડી. ઝાલા, મહામંત્રી પ્રેમલ દેસાઈ, બિપીન ઓઝા સહિત અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્યમંત્રીએ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો હતો. ટૂંકી મુલાકાત દરમિયાન તેમણે કાર્યકરોને જિલ્લામાં વધુ મતોથી જીત સુનિશ્ચિત કરવા માટે મતદારો સાથે સતત સંપર્કમાં રહેવાની અપીલ કરી હતી.




