ટોપ સ્ટોરીઝ

ઓપરેશન મ્યુલ હંટ ૨.૦: પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમને મોટી સફળતા, રૂ. ૪૩.૯૩ કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ

ગાંધીધામથી શ્રીલંકા સુધી ફેલાયેલું હતું નેટવર્ક; ૧૦૫ બેંક ખાતાઓ મારફતે થતી હતી કરોડોની હેરાફેરી; ૪ આરોપીઓની ધરપકડ

સાબર રીપોર્ટર ન્યુઝપેપર

પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ મથકને સાયબર ગુનેગારો સામે ચાલી રહેલી ઝુંબેશમાં એક બહુ મોટી સફળતા હાથ લાગી છે. પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘ઓપરેશન મ્યુલ હંટ ૨.૦’ (Operation Mule Hunt 2.0) હેઠળ કરોડો રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના મસમોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગાંધીધામ ખાતેથી મ્યુલ એકાઉન્ટ (ભાડાના/ડમી ખાતા) મારફતે છેતરપિંડી આચરતી ગેંગના ૪ સક્રિય આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ આખી ગેંગનું નેટવર્ક છેક શ્રીલંકા સુધી ફેલાયેલું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

રૂ. ૪૩.૯૩ કરોડનો આંકડો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી

પ્રાપ્ત વિગતો અનુસાર, પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોના આધારે ગાંધીધામમાં દરોડો પાડીને ૪ સાયબર ઠગોને દબોચી લેવાયા છે. પ્રાથમિક તપાસમાં જ સામે આવ્યું છે કે આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે રૂ. ૪૩.૯૩ કરોડ જેટલી માતબર રકમનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે. સાયબર ફ્રોડના આ કાળા નાણાંની હેરાફેરી કરવા માટે ગેંગ દ્વારા ૧૦૫ જેટલા જુદા-જુદા બેંક ખાતાઓનો (Mule Accounts) ઉપયોગ કરવામાં આવતો હતો.

ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને APK ફાઈલની જાળ

આ આંતરરાષ્ટ્રીય ગેંગ લોકો સાથે છેતરપિંડી કરવા માટે મુખ્યત્વે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ (વધુ વળતરની લાલચ) આપતી સ્કીમો અને શંકાસ્પદ APK ફાઈલ (મોબાઈલ એપ્લિકેશન) નો સહારો લેતી હતી. નિર્દોષ લોકોને આ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને કે રોકાણના નામે લલચાવીને કરોડો રૂપિયા પડાવી લેવામાં આવતા હતા. ભારત સરકારના સાયબર ક્રાઇમ સમન્વય પોર્ટલ (Cyber Crime Coordination Portal) પર આ ગેંગ દ્વારા ઓપરેટ કરવામાં આવતા બેંક ખાતાઓ સાથે જોડાયેલી ૯૦ થી વધુ ફરિયાદો ઓલરેડી નોંધાયેલી છે. દેશના વિવિધ રાજ્યોમાં આ ખાતાઓ વિરુદ્ધ સાયબર ફ્રોડના ગુના દાખલ થયેલા છે.

ગાંધીધામથી શ્રીલંકા સુધી કનેક્શન!

પોલીસ તપાસમાં સૌથી મોટો ધડાકો એ થયો છે કે આ કૌભાંડના તાર આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા છે. ગાંધીધામ ખાતેથી ઓપરેટ થતા આ બેંક ખાતાઓની તમામ ગુપ્ત માહિતી અને એક્સેસ સીધા શ્રીલંકા બેઠેલા સાયબર માફિયાઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. ભારતમાં મ્યુલ એકાઉન્ટ તૈયાર કરી, તેમાં ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરાવી, આખું કમિશન નેટવર્ક શ્રીલંકાથી હેન્ડલ થતું હોવાનો પર્દાફાશ થયો છે.

૭ મોબાઈલ જપ્ત, અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ

પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપાયેલા ૪ આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા ૭ નંગ સ્માર્ટફોન (મોબાઈલ) જપ્ત કર્યા છે. આ મોબાઈલના ડેટા, બેંક ટ્રાન્ઝેક્શન અને ચેટ્સ રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં હજુ પણ ઘણા મોટા ખુલાસા થવાની સંભાવના છે. પોલીસે પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે અને આ આંતરરાષ્ટ્રીય રેકેટમાં સામેલ અન્ય સ્થાનિક તેમજ બહારના આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

તંત્રી : બાદશાહ પઠાણ

મોબાઈલ નં: 9898693985

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!