મોટા કોટડા પ્રાથમિક શાળામાં માધવ ગ્રૂપ અમદાવાદ દ્વારા શિક્ષણલક્ષી કીટ અને ચોપડાનું દાન

આજ રોજ વીર શહીદ પીજે ભાટી મોટા કોટડા પ્રાથમિક શાળા, પીએમ શ્રી ગુજરાત ખાતે માધવ ગ્રૂપ અમદાવાદના યતીનભાઈ કે. પ્રજાપતિ તથા તેમના મોટાભાઈ તરફથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી ચોપડાઓનું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ બાલ વાટિકા અને આંગણવાડીના બાળકોને શિક્ષણલક્ષી કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
શિક્ષણ કાર્યમાં સહભાગી બની બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા ઉમદા ભાવના સાથે કરાયેલા આ સેવાકીય કાર્ય બદલ શાળા પરિવાર દ્વારા માધવ પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળા પરિવાર તરફથી મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આવા વતનપ્રેમી અને શિક્ષણપ્રેમી મહાનુભાવો સમાજ માટે પ્રેરણારૂપ બની સંસ્થાઓને નવી દિશા અને શક્તિ આપે છે તેવું પણ ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું.
શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ પટેલ તથા સ્ટાફ પરિવાર દ્વારા માધવ પરિવારનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં એસએમસી અધ્યક્ષ ચતુરસિંહ પરમાર, ગામના અગ્રણીઓ જગુભાઈ એસ. પટેલ, જીતાકાકા તેમજ એસએમસીના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

