બે વર્ષથી ફરાર ‘ડાડા ગેંગ’નો આરોપી એસઓજીના હાથે ઝડપાયો
હિંમતનગર બી-ડિવિઝન, ગ્રામ્ય અને ખેડા જિલ્લાના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ આરોપીની ધરપકડ

સાબરકાંઠા એસઓજીએ વધુ એક નોંધપાત્ર સફળતા હાંસલ કરતાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો અને અનેક ગંભીર ગુનાઓમાં વોન્ટેડ રહેલા ‘ડાડા ગેંગ’ના આરોપી હુસેનશા ઉર્ફે ડાડા ઉર્ફે એ.ટી.એમ. કાલુશા દીવાનને ઝડપી પાડ્યો છે. આરોપી હિંમતનગર બી-ડિવિઝન અને ગ્રામ્ય પોલીસ સ્ટેશનના રાયોટિંગ, મારામારી સહિતના ગુનાઓ ઉપરાંત ખેડા જિલ્લાના કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ અને હત્યાના ગુનામાં પણ વોન્ટેડ હતો.
પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓની શોધખોળ માટે ચાલી રહેલા અભિયાન દરમિયાન એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. વાળા, પીએસઆઈ કે.યુ. ચૌધરી અને પીએસઆઈ પી.એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે હિંમતનગર કલેક્ટર કચેરી નજીક રોડ પરથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલ આરોપી હુસેનશા ઉર્ફે ડાડા ઉર્ફે એ.ટી.એમ. કાલુશા દીવાન (ઉ.વ. 53), રહે. અલ હુસેની મસ્જિદ પાછળ, સંજરનગર, પાણપુર પાટિયા, હિંમતનગર હોવાનું પોલીસે જણાવ્યું છે. તેની સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 35(1)(જે) મુજબ કાર્યવાહી કરીને આગળની કાર્યવાહી માટે હિંમતનગર બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આરોપી પાઇપલાઇનમાં પંચર પાડી ઓઇલ ચોરી, એટીએમ તોડી ચોરી, લોકોને ધમકી આપી લૂંટ ચલાવવી તેમજ હત્યા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો છે.
પોલીસ રેકોર્ડ મુજબ આરોપી સામે સાબરકાંઠા, અમદાવાદ, વિરમગામ, કલોલ, ડભોડા સહિત વિવિધ પોલીસ સ્ટેશનોમાં ખંડણી, મારામારી, લૂંટ, ચોરી, હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ અને ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓના 20થી વધુ કેસ નોંધાયેલા છે.
આ સફળ કામગીરીમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. વાળા, પીએસઆઈ કે.યુ. ચૌધરી, પીએસઆઈ પી.એમ. ઝાલા, એએસઆઈ અનિરુદ્ધસિંહ, એએસઆઈ નરેન્દ્રસિંહ, એએસઆઈ વિનોદકુમાર, હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ, પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશકુમાર અને દીપકસિંહ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.




