પ્રાંતિજ

બસ ડ્રાઈવર પર જીવલેણ હુમલો, કારમાં આવેલા ચાર શખ્સો સામે પ્રાંતિજ પોલીસમાં ફરિયાદ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ.ટી. બસના ડ્રાઈવર પર જીવલેણ હુમલો અને સરકારી ફરજમાં અવરોધ ઊભો કરવાના ગંભીર આરોપો સાથે ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ, બસને ઓવરટેક કરી રોકી કારમાં આવેલા ચાર અજાણ્યા શખ્સોએ ડ્રાઈવર સાથે મારામારી કરી તેમજ બસના કંડક્ટર સાથે પણ ધક્કામુક્કી કરી હતી. આ બનાવને પગલે પ્રાંતિજ પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ફરિયાદી વસીમમિયાં યુસુફમિયાં શેખ, જે ગુજરાત એસ.ટી. નિગમમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ઓલપાડ થી હિમતનગર જતી બસ ચલાવી રહ્યા હતા. આ દરમિયાન XUV 3XO કારમાં આવેલા ચાર શખ્સોએ બસને ઓવરટેક કરી રસ્તા વચ્ચે રોકી હતી. બાદમાં ગાળો બોલી ડ્રાઈવર પર લાકડાના ફટકા તેમજ હાથ-મુક્કાથી હુમલો કર્યો હતો. હુમલામાં ડ્રાઈવરને ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાંતિજ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની મારામારી, ધમકી, સરકારી કર્મચારીની ફરજમાં અવરોધ અને અન્ય સંબંધિત કલમો તેમજ મોટર વાહન અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હુમલાખોરોની ઓળખ અને તેમની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!