અંકલેશ્વરની યુવતી સાથે દુષ્કર્મનો આક્ષેપ: ખોટી ઓળખ આપી પોળો ફોરેસ્ટ અને દ્વારકા લઈ જઈ બે વખત દુષ્કર્મ, હિંમતનગર મહિલા પોલીસમાં ફરિયાદ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રહેતી અને મૂળ અમરેલી જિલ્લાની એક યુવતીએ અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા એક યુવક સામે ખોટી ઓળખ આપી વિશ્વાસમાં લઈ દુષ્કર્મ કર્યાનો ગંભીર આક્ષેપ કરતા હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, આરોપીએ પોતાનું નામ દર્શન ઠાકોર હોવાનું જણાવી યુવતી સાથે સંપર્ક કર્યો હતો. બાદમાં તેને સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પોળો ફોરેસ્ટ વિસ્તારની એક રિસોર્ટમાં બોલાવી લઈ ગયો હતો. ત્યાં માતા-પિતાના સોગંદ આપી દારૂ પીવડાવ્યો હોવાનું અને ત્યારબાદ યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ત્યારબાદ આરોપી યુવતીને દ્વારકા લઈ ગયો હતો, જ્યાં એક હોટલમાં ફરીથી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ કર્યું હતું. તેમજ ઘટનાનો વિડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હોવાનું યુવતીએ પોલીસને જણાવ્યું છે.
યુવતી દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ આરોપીનું સાચું નામ મોહન પીઠાભાઈ પરમાર હોવાનું સામે આવ્યું છે, જ્યારે તેણે શરૂઆતમાં પોતાની ખોટી ઓળખ આપી હતી.
હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
નોંધ: આ સમાચાર પોલીસ ફરિયાદમાં કરાયેલા આક્ષેપોના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોપો અંગે અંતિમ સત્યતા પોલીસ તપાસ અને અદાલતી કાર્યવાહી બાદ જ નિર્ધારિત થશે.




