હિંમતનગરની 40 વર્ષ જૂની રોટરી ક્લબ ઓફ હિંમતનગરનો ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો
રોટેરિયન મનીષ કિંમતાણી પ્રમુખ બન્યા; 123 સભ્યોએ શપથ લીધા, સેવા અને સમાજકલ્યાણના કાર્યો માટે સંકલ્પ

હિંમતનગરની 40 વર્ષ જૂની અને શહેરની અગ્રણી સેવાકીય સંસ્થા રોટરી ક્લબ ઓફ હિંમતનગરનો વર્ષ 2026–27 માટે પ્રમુખ, સેક્રેટરી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ નવા સભ્યોના શપથવિધિનો ભવ્ય પદગ્રહણ સમારોહ હિંમતનગર ખાતે ભવ્યતાપૂર્વક યોજાયો હતો. સમારોહમાં હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલા, હિંમતનગર કેળવણી મંડળ અને શ્રી શામળાજી મંદિરના ટ્રસ્ટી શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, ઇન્સ્ટોલેશન ઓફિસર શ્રી નૈમિષ રવાની, ઇન્ડક્શન ઓફિસર ડૉ. અરુણ પરીખ તથા આસિસ્ટન્ટ ગવર્નર શ્રી અજય પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું ફૂલછડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. વર્ષ 2025–26 દરમિયાન હિંમતનગર રોટરી ક્લબ દ્વારા કરવામાં આવેલા નોંધપાત્ર સેવાકાર્યો બદલ ક્લબને પ્રાપ્ત થયેલા 15 એવોર્ડની પણ ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે રોટરી ક્લબના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 100 નવા રોટેરિયન સભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારબાદ રોટેરિયન મનીષ કિંમતાણીએ પ્રમુખ તરીકે અને રોટેરિયન જયપ્રકાશ રાવલે સેક્રેટરી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેમની સાથે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ટીમે પણ શપથ લીધા હતા. આમ કુલ 123 સભ્યોના શપથગ્રહણ સાથે આ સમારોહ ઐતિહાસિક બની રહ્યો હતો.
હિંમતનગર રોટરી ક્લબના નવા પ્રમુખ તરીકે રોટેરિયન મનીષ કિંમતાણીની વરણી ખાસ નોંધપાત્ર રહી હતી. ક્લબના સૌથી ઓછી ઉંમરના પ્રમુખોમાં સ્થાન મેળવનાર મનીષ કિંમતાણીને તેમની સતત મહેનત, કાર્યક્ષમતા, સંગઠનક્ષમતા અને સેવાભાવી અભિગમના આધારે પ્રમુખપદની જવાબદારી સોંપવામાં આવી હતી. નાની ઉંમર હોવા છતાં તેમણે પોતાની નેતૃત્વ ક્ષમતા, સમર્પણ અને પરિણામલક્ષી કાર્યશૈલીથી ક્લબના સભ્યોનો વિશ્વાસ જીત્યો છે. તેમના નેતૃત્વ હેઠળ ક્લબે 100 નવા સભ્યોને જોડીને કુલ 123 સભ્યોના શપથગ્રહણ સાથે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, જે તેમની કાબિલિયત અને ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે.
નવનિયુક્ત પ્રમુખ રોટેરિયન મનીષ કિંમતાણીએ જણાવ્યું હતું કે, ક્લબ દ્વારા આગામી વર્ષ દરમિયાન 500 બોટલ રક્તદાનનો લક્ષ્યાંક, શહેરની વિવિધ સોસાયટીઓના કોમન પ્લોટમાં 10,000 વૃક્ષોના રોપાઓનું વાવેતર, તેમજ સ્લમ વિસ્તારોમાં બાળકોને તેમના ઘરે જઈ શિક્ષણ આપવાની સેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ક્લબ દ્વારા અત્યાર સુધીમાં 45 બોટલ રક્તદાન અને 150 વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેડિકલ, શિક્ષણ, પર્યાવરણ અને માનવ કલ્યાણના ક્ષેત્રોમાં વિવિધ સેવાકાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે. ખાસ કરીને સર્વાઈકલ કેન્સર નિદાન માટે પાંચ સ્ક્રીનિંગ મશીનો ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ મહિલાઓ માટે રસીકરણ અભિયાન પણ હાથ ધરવામાં આવશે.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ પોતાના સંબોધનમાં રોટરી ક્લબ દ્વારા સમાજસેવાના ક્ષેત્રમાં કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી હતી અને નવનિયુક્ત પ્રમુખ રોટેરિયન મનીષ કિંમતાણી તથા તેમની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. મહેમાનોએ રોટરી ક્લબના સેવાકાર્યોને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવી ભવિષ્યમાં જરૂરી તમામ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.





