ખેડબ્રહ્મા

રાષ્ટ્રધ્વજના અપમાનનો મુદ્દો ગરમાયો,

15મી ઓગસ્ટના રોજ નગરપાલિકા દ્વારા બજારના મુખ્ય માર્ગો પર ઉત્સવના ભાગરૂપે નાગરિકોને રાષ્ટ્રધ્વજ અર્પણ કરવામાં આવ્યા હતા. જોકે નિયમ મુજબ રાષ્ટ્રધ્વજ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ફરકાવવો જોઈએ અને ક્ષતિગ્રસ્ત થાય તો સન્માનપૂર્વક તેનો નાશ કરવો જરૂરી છે. પરંતુ સામાન્ય નાગરિકોને આ અંગે પૂરતી જાણકારી ન હોવાથી કેટલાય સ્થળોએ ધ્વજ ફાટી ગયેલા, લટકી ગયેલા અને જાહેર માર્ગો પર જમીનના સંપર્કમાં આવેલા જોવા મળ્યા હતા.

આ ઉપરાંત ખેડબ્રહ્મા પ્રશાસન દ્વારા બજારમાં વીજ પોલ પર તિરંગાને આડો બાંધીને લગાવવામાં આવ્યો હોવાનું પણ ધ્યાને આવ્યું છે, જે રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ, 1971ની કલમ 2 હેઠળ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે અને આ કાયદાના ભંગ બદલ 3 વર્ષ સુધીની જેલની સજા અથવા દંડની જોગવાઈ છે.

આ ગંભીર બાબતને લઈને ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત શર્માએ પ્રાંત કલેક્ટર, સેવાસદન, ખેડબ્રહ્માને લેખિત પત્ર પાઠવ્યો છે. પત્રમાં તેમણે માંગ કરી છે કે ક્ષતિગ્રસ્ત રાષ્ટ્રધ્વજોને તાત્કાલિક સન્માનપૂર્વક ઉતારી લેવામાં આવે અને યોગ્ય પગલાં લેવામાં આવે. તેમણે એવી પણ રજૂઆત કરી છે કે રિક્ષા (લાઉડસ્પીકર) ફેરવીને લોકોમાં રાષ્ટ્રધ્વજના સન્માન અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવે.

આ પત્રની નકલ મામલતદારશ્રી, સેવાસદન ખેડબ્રહ્મા તથા ચીફ ઓફિસરશ્રી, નગરપાલિકા ખેડબ્રહ્માને પણ મોકલવામાં આવી છે. હવે પ્રશાસન આ મામલે શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!