હિંમતનગરના ઝહીરાબાદના સરપંચે પત્રકારને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ગ્રામ્ય પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ

હિંમતનગરના ઝહીરાબાદના સરપંચે પત્રકારને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ગ્રામ્ય પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ
“તું અમારી બાબતમાં કેમ વચ્ચે પડે છે?” કહી સરપંચે ગાળો ભાંડી મામલો બિચકાવ્યો: સામાજિક સમાધાનની સલાહ આપવી પત્રકારને ભારે પડી
હિંમતનગર: સામાજિક બાબતોમાં મધ્યસ્થી કરીને સમાધાન કરાવવાનો પ્રયાસ કરનાર હિંમતનગરના એક પત્રકારને ઝહીરાબાદના સરપંચની દાદાગીરીનો ભોગ બનવું પડ્યું છે. “તું અમારી બાબતમાં કેમ વચ્ચે પડે છે?” તેમ કહી ઝહીરાબાદના સરપંચે પત્રકારને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પત્રકારની ફરિયાદના આધારે હિંમતનગર ગ્રામ્ય પોલીસે સરપંચ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, હિંમતનગર તાલુકાના સવગઢના તાબામાં આવતા આર.ટી.ઓ. (RTO) નજીક રહેતા અને પત્રકારત્વ સાથે સંકળાયેલા અલતાફહુસેન લુહારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૧ ઓક્ટોબરના રોજ રાત્રિના સુમારે તેમના મિત્ર જાકીરહુસેન મેમણનો ફોન આવ્યો હતો. જાકીરહુસેને જણાવ્યું હતું કે તેમના સબંધી ઈલીયાસભાઈ મેમણ સાથે ગમે તે કારણોસર કોઈ બાબતે માથાકૂટ થઈ છે.
આથી, પરિસ્થિતિ વિશે જાણવા માટે જાકીરહુસેન અને પત્રકાર અલતાફહુસેન લુહાર હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. તે દરમિયાન ત્યાં હાજર ઝહીરાબાદના સરપંચ રફીકભાઈ ઉર્ફે ‘ટોન’ જાનમહંમદ મેમણે અચાનક આવેશમાં આવીને પત્રકાર સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. સરપંચે રોફ જમાવતા કહ્યું હતું કે, “તું અમારી બાબતમાં કેમ વચ્ચે પડે છે?” તેમ કહી પત્રકાર અલતાફ લુહારને જાહેરમાં ગંદી ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાખવાની સીધી ધમકી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઝહીરાબાદ ગ્રામ પંચાયત પાછળ રહેતા વારીસમહંમદ મેમણ સાથે સરપંચને માથાકૂટ થઈ હોવાથી, પત્રકાર અલતાફ લુહારે માત્ર એટલું જ કહ્યું હતું કે “તમે બંને એકબીજાના સગા-સંબંધી છો, તેથી સામાજિક રીતે આ બાબતનું સમાધાન કરી લેવું જોઈએ.”
આવી સદ્ભાવનાપૂર્ણ અને સમાધાનકારી સલાહ આપવા છતાં સરપંચ રફીકભાઈ પોતાના પદનો મિજાજ બતાવી પત્રકાર સાથે અત્યંત અસભ્ય વર્તન કર્યું હતું. સરપંચના આ અસભ્ય અને ધમકીભર્યા વર્તનથી કંટાળીને આખરે પત્રકાર અલતાફ લુહારે સરપંચ વિરૂદ્ધ ગ્રામ્ય પોલીસ મથકમાં વિધિવત ફરીયાદ નોંધાવવાની ફરજ પડી હતી. પોલીસે સરપંચ વિરૂદ્ધ ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી ધરી છે.




