હિમતનગર

હિંમતનગરના બળવંતપુરા ફાટક નજીક ટ્રેનની ટક્કરે ગંભીર અકસ્માત, કોલેજ જતી બીએસસી નર્સિંગની વિદ્યાર્થીનીનું કરૂણ મોત

સાબરકાંઠા જિલ્લાના મુખ્યાલય હિંમતનગર ખાતે આવેલ બળવંતપુરા ફાટક નજીક આજે સવારે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. સવારના સમયે કોલેજ જવા નીકળેલી એક આશાસ્પદ વિદ્યાર્થીની ટ્રેનની અડફેટે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અને મૃતકના પરિવારજનોમાં અરેરાટી સાથે ભારે શોકની કાલીમા છવાઈ ગઈ છે.

મળતી માહિતી અનુસાર, હિંમતનગર-ઉદયપુર રેલવે ટ્રેક પર આવેલ બળવંતપુરા ફાટક નજીકથી પસાર થઈ રહેલી ‘વીરભૂમિ એક્સપ્રેસ’ ટ્રેનની ઝપેટમાં આવી જવાથી આ દુર્ઘટના ઘટી હતી. મૃતક વિદ્યાર્થીનીની ઓળખ ધ્રુવી મિસ્ત્રી તરીકે થઈ છે, જે બીએસસી નર્સિંગ (B.Sc. Nursing)નો અભ્યાસ કરતી હતી.

દરરોજની જેમ આજે સવારે પણ ધ્રુવી પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા કોલેજ જવા માટે ઘરથી નીકળી હતી. દરમિયાન બળવંતપુરા ફાટક નજીક હિંમતનગર-ઉદયપુર રેલવે ટ્રેક ઓળંગી રહી હતી તે સમયે અચાનક આવી પહોંચેલી વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી ગઈ હતી. ટ્રેનની ટક્કર એટલી જોરદાર હતી કે ધ્રુવીનું ઘટનાસ્થળે જ અત્યંત દર્દનાક મોત નીપજ્યું હતું.

અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને સ્થાનિક પોલીસ તેમજ રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો તુરંત સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. એક હોનહાર વિદ્યાર્થીનીના અકાળે થયેલા અવસાનથી તેના સહાધ્યાયીઓ અને શૈક્ષણિક આલમમાં પણ ઘેરા શોકની લાગણી ફરી વળી છે. પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!