હિંમતનગરમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી: શારદાકુંજમાં ૧૧૧ મટકી ફોડી ૩૦ વર્ષ જૂની પરંપરા જાળવી રખાઈ

હિમતનગર શહેરના મોતીપુરા વિસ્તારમાં આવેલા શારદાકુંજ ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભક્તિ અને અનોખા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શ્રી શક્તિ યુવક મંડળ દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી આયોજિત સામૂહિક મટકી ફોડ કાર્યક્રમે આ વર્ષે પણ વિશિષ્ટ આકર્ષણ જમાવ્યું હતું. ૩૦ વર્ષ પહેલાં માત્ર ૫ મટકીથી શરૂ થયેલી આ પરંપરા આજે વટવૃક્ષ બનીને ૧૧૧ મટકી સુધી પહોંચી છે.
આ વર્ષે શારદાકુંજ વિસ્તારની ૧૨થી વધુ સોસાયટીઓની શેરીઓ અને ચોકમાં ડીજેના તાલે સામૂહિક રીતે ૧૧૧ મટકીઓ ફોડવામાં આવી હતી. આ મહોત્સવમાં માત્ર યુવાનો જ નહીં, પરંતુ બાળકો, મહિલાઓ અને વડીલો સહિત સમગ્ર વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ડીજેના તાલ અને કૃષ્ણ ભક્તિના સૂર સાથે સમગ્ર વિસ્તાર ગોકુળમય બની ગયો હતો.
કાર્યક્રમના આયોજક વિકાસભાઈ બારોટે જણાવ્યું હતું કે, સ્થાનિકોના સહયોગ અને મંડળના સભ્યોની સતત મહેનતને કારણે જ આ પરંપરા વર્ષોવર્ષ વધુ ભવ્ય બની રહી છે. ત્યાં આવેલા મુલાકાતી પિયુષ પટેલે ઉમેર્યું હતું કે, આ પ્રકારના સામૂહિક આયોજનોથી સમાજમાં એકતા, ભાઈચારો અને સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ જળવાઈ રહે છે. ૧૨થી વધુ સોસાયટીઓના રહેવાસીઓએ સાથે મળીને જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરી હતી.




