હવે એઆઈ કરશે ડ્રાઇવિંગ ટેસ્ટનો નિર્ણય, હિંમતનગર આરટીઓમાં સ્માર્ટ સિસ્ટમ અમલમાં

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર આરટીઓમાં હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ પ્રક્રિયા વધુ આધુનિક અને પારદર્શક બની ગઈ છે. ગુજરાત સરકાર અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા અહીં એઆઈ આધારિત ઓટોમેટિક ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવ્યો છે. હવે અરજદારોની દરેક મૂવમેન્ટ પર સીસીટીવી કેમેરા અને કોમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમ દ્વારા નજર રાખવામાં આવશે. ટેસ્ટ પૂર્ણ થતાં જ અરજદાર પાસ કે ફેલ થયો તેની જાણ મોબાઇલ મેસેજ દ્વારા તરત જ મળી જશે.
હિંમતનગર આરટીઓ ખાતે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર બંને માટે ખાસ એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન અરજદાર દ્વારા કરવામાં આવતી દરેક નાની-મોટી ભૂલ ઓટોમેટિક સિસ્ટમમાં રેકોર્ડ થશે અને તેનું મોનીટરીંગ કરવામાં આવશે. અગાઉ ટેસ્ટ પ્રક્રિયા મેન્યુઅલ દેખરેખ હેઠળ થતી હતી, જ્યારે હવે સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન અને ઓટોમેટિક બની ગઈ છે.
અરજદારોને ટેસ્ટ પહેલાં ૧૫ દિવસ અગાઉ માર્ગદર્શન અને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. સાથે જ સ્કેનર અને યુટ્યુબ વીડિયો દ્વારા ટેસ્ટની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેથી અરજદારો સરળતાથી ટેસ્ટ પ્રક્રિયા સમજી શકે.
નવી એઆઈ આધારિત સિસ્ટમ શરૂ થતાં લાઇસન્સ પ્રક્રિયામાં પારદર્શિતા વધવા સાથે અરજદારોમાં પણ સંતોષ જોવા મળી રહ્યો છે. આરટીઓ તંત્રનું માનવું છે કે આ નવી વ્યવસ્થાથી વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ વધશે અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો થવામાં પણ મદદ મળશે.





