હિમતનગર

ભાડા વિધેયક ૨૦૨૬ના વિરોધમાં સાબરકાંઠા બાર એસોસિએશન જોડાયું: શનિ-સોમવારે કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાનો ઠરાવ

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં વિધાનસભામાં પસાર કરવામાં આવેલા ‘ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬’ સામે કાનૂની આલમ અને નાગરિકોમાં વિરોધનો સૂર ઊઠ્યો છે. આ કાયદાના અમલથી નાગરિકો તેમજ વકીલોને ભારે હાલાકી ભોગવવી પડે તેવી શક્યતાઓને પગલે સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશન પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયું છે.

શનિવારે હિંમતનગર સ્થિત કોર્ટ સંકુલના પ્રથમ માળે આવેલ બાર રૂમમાં સાબરકાંઠા બાર એસોસિએશનની એક તાકીદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત વકીલોએ વિધેયકની વિવિધ જોગવાઈઓ અંગે ગહન ચર્ચા-વિચારણા કરી હતી. ચર્ચાના અંતે એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે આ વિધેયકમાં વ્યાપક સુધારા-વધારા કરવાની સખત જરૂરિયાત છે.

બેઠકમાં એકસૂરે ઠરાવ પસાર કરીને બાર એસોસિએશને શનિવાર તથા સોમવાર, ૫ ઓક્ટોબરના રોજ કોર્ટની માત્ર ‘અરજન્ટ કામગીરી’ સિવાયની અન્ય તમામ પ્રકારની કાનૂની કામગીરીઓથી અળગા રહેવાનો (કામકાજ સ્થગિત રાખવાનો) નિર્ણય કર્યો છે.

બાર એસોસિએશન દ્વારા આ નિર્ણય અંગે જિલ્લાની તમામ નામદાર અદાલતોને લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે. વકીલોના આ વિરોધ કાર્યક્રમને કારણે કોર્ટકાજ અર્થે આવતા અસીલોને બે દિવસ માટે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!