દહેગામ સજ્જડ બંધ સફળ : પશુપાલકોના સમર્થનમાં જનસમર્થન વ્યાપક બન્યું

શીતલ ઠાકર,ગાધીનગર
દહેગામ તાલુકાના પશુપાલકો દ્વારા મધુર ડેરી સામે ચાલી રહેલો દૂધ સંઘર્ષ હવે લોકઆંદોલનમાં ફેરવાઈ ગયો છે. દૂધ સ્વીકારવામાં ના પાડવાના કારણે પશુપાલકોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે, જેને લઈને આરપારની લડાઈ શરૂ થઈ ગઈ છે. અગાઉના વિધાનસભા કૂચ અને સાંસદના ઘેરાવ જેવા કાર્યક્રમોને પોલીસે નિષ્ફળ બનાવ્યા હોવા છતાં પશુપાલકોમાં રોષ વધુ પ્રબળ બન્યો હતો.

આજે દહેગામ શહેર સહિત સમગ્ર તાલુકામાં સજ્જડ બંધ સફળતાપૂર્વક પાળવામાં આવ્યો હતો. શહેરના બજારો, દુકાનો અને વેપારિક સંસ્થાઓ સંપૂર્ણ રીતે બંધ રહ્યા હતા અને પશુપાલકોના આંદોલનને મજબૂત ટેકો આપવામાં આવ્યો હતો. ગામડાંઓમાં પણ બંધનો વ્યાપક પ્રતિસાદ જોવા મળ્યો હતો.બંધને સમર્થન આપતા દહેગામ તાલુકા સરપંચ એસોસિએશનની બેઠકમાં કડજોદરા, રખિયાલ, દેવકરણના મુવાડા, ઈસનપુર ડોડીયા, કડાદરા, મોટી પાવઠી, કનીપુર, લવાડ, લિહોડા અને ડભોડા સહિતના ગામોના સરપંચોએ ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું.

આ ઉપરાંત દહેગામ એપીએમસી અને વેપારી મહામંડળે પણ બંધને ટેકો આપ્યો હતો. યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન અને તેર ગામ લેવાપાટીદાર સેવા સમાજ સહિતના અનેક સામાજિક સંગઠનો પણ પશુપાલકોની લડતમાં જોડાયા હતા, જેના કારણે આંદોલન સર્વસમાજનું બની ગયું છે.બીજી તરફ, આંદોલનને નબળું પાડવા ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ પશુપાલકોએ આ નિર્ણયને ઠુકરાવી દીધો હતો. પશુપાલકો એક જ માંગ પર અડગ રહ્યા હતા કે તેમનું દૂધ મધુર ડેરીમાં જ સ્વીકારવામાં આવે.
બંધ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી હતી.
ભાવવધારો નહીં, અધિકાર જોઈએ : પશુપાલકોનો મક્કમ અવાજ

ડેરી દ્વારા ભાવવધારો કરીને પશુપાલકોને મનાવવા પ્રયત્ન થયો હતો, પરંતુ પશુપાલકોએ સ્પષ્ટ કહી દીધું હતું કે તેઓને ફેટના ભાવ નહીં પરંતુ મધુર ડેરીમાં દૂધ સ્વીકારવાનો અધિકાર જોઈએ છે. આ લડાઈ માત્ર ભાવનો પ્રશ્ન નહીં રહી, પરંતુ પશુપાલકોના અસ્તિત્વ અને અધિકારની લડાઈ બની ગઈ છે.




