Uncategorized

ગાંભોઈ પાસે UGVCLની બેદરકારીથી ખેતરમાં લાગી આગ, ખેડૂતોને ભારે નુકસાન

શીતલ ઠાકર,ગાધીનગર

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના ગાંભોઈ નજીક રૂપાલ કમ્પા વિસ્તારમાં ખેતરમાં આગની ગંભીર ઘટના સામે આવી છે. રૂપાલ કમ્પાની સરહદમાં આવેલા ઘાસના ખેતરમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે આસપાસના ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આગ લાગતી વખતે ભારે પવન હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ બાજુમાં આવેલા ખેતરો સુધી પહોંચી હતી, જેના કારણે ખેતીને ભારે નુકસાન થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ, UGVCLની બેદરકારીને કારણે આ ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. ઝૂલતા વિજ તારને અડતા તણખલા પડતાં આગ લાગી હોવાનું માનવામાં આવે છે.

આગની ઝપેટમાં આવતા પપૈયાના ખેતરમાં આવેલા છોડને ભારે નુકસાન થયું છે તેમજ ડ્રિપ સિસ્ટમ પણ બળી ને ખાખ થઈ ગઈ છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.

ઘટનાની જાણ થતા જ હિંમતનગર ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ સમયસર ઘટનાસ્થળે પહોંચી પાણીનો છંટકાવ કરીને આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગની ત્વરિત કામગીરીના કારણે બાજુમાં આવેલા તબેલાને આગની ઝપેટમાં આવતાં બચાવી લેવામાં સફળતા મળી હતી.

ઉલ્લેખનીય છે કે અગાઉ ગઢોડા ખાતે પણ UGVCLની બેદરકારીને કારણે આગની ઘટના બની ચૂકી છે. છતાંય વિજ વિભાગના તંત્ર દ્વારા યોગ્ય સાવચેતીના પગલાં લેવામાં આવ્યા નથી તેવો આક્ષેપ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે.હાલ ઉનાળાની ઋતુ શરૂ થતાં આવી ઘટનાઓમાં વધારો થવાની શક્યતા વચ્ચે UGVCLનું નિંદ્રાધીન તંત્ર જાગશે કે નહીં તે પ્રશ્ન ઉઠી રહ્યો છે. જિલ્લા ભરમાં આવી બેદરકારીને કારણે વધુ નુકસાન ન થાય તે માટે સરકાર અને સંબંધિત વિભાગ કઈ કાર્યવાહી કરે છે તેની પર લોકોની નજર ટકી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!