શ્રી અનંત અંબાણીના ૩૧મા જન્મદિવસ નિમિત્તે અંબાજી શક્તિપીઠને રિલાયન્સ દ્વારા કરોડોની ભેટ
અંબાજીમાં નિર્માણ પામશે અત્યાધુનિક યાત્રીનિવાસ: રિલાયન્સ દ્વારા રૂ. ૫ કરોડના દાનની જાહેરાત

યાત્રાધામ અંબાજીના વિકાસમાં રિલાયન્સનો સહયોગ: ૧ લાખ યાત્રિકોને આવાસ અને ૩૦ લાખને નિઃશુલ્ક ભોજનનો મળશે લાભ
શીતલ ઠાકર,ગાંધીનગર
યાત્રાધામ અંબાજી ખાતે આગામી સમયમાં નિર્માણ પામનાર મલ્ટીપર્પજ યાત્રીનિવાસ પ્રોજેક્ટ માટે ભારતના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી અનંત અંબાણીના ૩૧મા જન્મદિવસ નિમિત્તે રૂ. ૫ કરોડના દાનની જાહેરાત કરવામાં આવી છે.
યાત્રાધામ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું પવિત્ર કેન્દ્ર છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધા માટે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે. અંબાજી વિકાસ યોજનાના ભાગરૂપે ગબ્બર કોરિડોરના નિર્માણનું કાર્ય પ્રગતિ પર છે. વર્ષ દરમિયાન અંદાજે ૨ કરોડ જેટલા યાત્રાળુઓ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
યાત્રિકોને સુવ્યવસ્થિત નિવાસ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ટ્રસ્ટ દ્વારા અગાઉ અંબિકા વિશ્રામગૃહ અને જગદ્દજનની પથિકાશ્રમમાં રાહતદરે આવાસ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવતી હતી. હાલ આ બંને મલ્ટીપર્પજ યાત્રીનિવાસ જૂના અને જર્જરિત બનતાં તેમજ ગબ્બર કોરિડોર વિકાસ યોજનામાં સમાવેશ થતા તોડફોડ (ડિમોલિશન) કરવામાં આવી છે.
યાત્રાળુઓની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે નવા મલ્ટીપર્પજ યાત્રીભવનના નિર્માણની યોજના હાથ ધરવામાં આવી છે. આ યાત્રીભવનમાં આશરે ૬૫ રૂમ, પાર્કિંગ તથા ડોર્મિટરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અંદાજે રૂ. ૧૩ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ પ્રકલ્પથી દર વર્ષે આશરે ૧ લાખથી વધુ યાત્રાળુઓને રાહતદરે આવાસ સુવિધાનો લાભ મળશે.
રિલાયન્સ દ્વારા શ્રી અનંત અંબાણીના જન્મદિવસના પાવન અવસરે નવા યાત્રીભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર આશરે ૧૭ રૂમોના નિર્માણ માટે રૂ. ૫ કરોડનું દાન આપવાની ઘોષણા કરવામાં આવી છે, જે અત્યંત આવકાર્ય પહેલ છે.
વધુમાં, ભારતભરના ૫૧ શક્તિપીઠોમાં હૃદયસ્થાન ગણાતા અંબાજી ખાતે ટ્રસ્ટ દ્વારા ‘અંબિકા અન્નક્ષેત્ર’ મારફતે નિઃશુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, જેમાં દરરોજ અંદાજે ૭,૦૦૦ થી ૮,૦૦૦ જેટલા ભક્તો લાભ લઈ રહ્યા છે. ‘અન્નદાન એ સૌથી મોટું દાન’ની ભાવનાને સાકાર કરતી રીતે રિલાયન્સ દ્વારા આગામી પાંચ વર્ષ માટે ‘જય અંબે તિથિ ભોજન’ યોજના અંતર્ગત રૂ. ૨૭.૫૦ કરોડનું દાન પણ આપવામાં આવશે, જેના દ્વારા દર વર્ષે ૩૦ લાખથી વધુ યાત્રાળુઓને નિઃશુલ્ક ભોજન પ્રસાદ ઉપલબ્ધ થશે.
શ્રી અનંત અંબાણીના ૩૧મા જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી, મા અંબાના આશીર્વાદથી તેમના દીર્ઘાયુ, આરોગ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી છે. રિલાયન્સના સહયોગથી યાત્રીનિવાસ તથા ‘જય અંબે તિથિ ભોજન’ યોજના – અન્નક્ષેત્ર એમ બંને ક્ષેત્રોમાં લાખો શ્રદ્ધાળુઓને સુવિધાનો લાભ મળશે, તેવી માહિતી અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર તથા અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીએ અખબારી યાદીમાં આપી હતી.

