બ્રાહ્મણ સમાજના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ જન્મજયંતિની ભવ્ય ઉજવણી

શીતલ ઠાકર,ગાંધીનગર
વિશ્વ તથા ભારતભરમાં તેમજ ગુજરાતમાં ઠેર ઠેર બ્રાહ્મણ સમાજના આરાધ્ય દેવ અને હિંદુ ધર્મમાં પૂજનીય ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ શહેરો અને ગામોમાં ધાર્મિક કાર્યક્રમો, શોભાયાત્રાઓ તથા સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભગવાન પરશુરામને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે માનવામાં આવે છે. પુરાણોમાં વર્ણન મુજબ તેઓ ત્રેતાયુગમાં પ્રગટ થયા હતા. ભગવાન પરશુરામનું વ્યક્તિત્વ શૌર્ય, જ્ઞાન, ધર્મરક્ષા અને ન્યાયનું પ્રતિક માનવામાં આવે છે.
બ્રાહ્મણ સમાજ દ્વારા “જય પરશુરામ” ના ગગનભેદી નારાઓ સાથે ભવ્ય શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી, જેમાં સમાજના ભાઈઓ, બહેનો, યુવાનો તથા વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા. અનેક સ્થળોએ ભજન, પૂજન, મહાઆરતી તથા પ્રસાદ વિતરણના કાર્યક્રમો પણ યોજાયા હતા.
ભગવાન પરશુરામ એક હાથમાં શસ્ત્ર અને બીજા હાથમાં શાસ્ત્ર ધારણ કરતા હતા, જે શક્તિ અને જ્ઞાનના સમન્વયનું પ્રતિક છે. આજના સમયમાં પણ તેમનો આ સંદેશ સમાજ માટે પ્રેરણારૂપ છે કે જીવનમાં જ્ઞાન સાથે સ્વાભિમાન અને શક્તિ પણ જરૂરી છે.
આ ઉજવણી દ્વારા બ્રાહ્મણ સમાજે એકતા, સેવા ભાવના, સંસ્કૃતિ પ્રત્યેની આસ્થા અને સામાજિક સૌહાર્દનો સુંદર પરિચય આપ્યો હતો.




