સાબરકાંઠાના મુસાફરો માટે એસટીની મોટી સુવિધા હિંમતનગરથી સાવરિયાશેઠ સ્પેશિયલ બસ શરૂ, ઈડર ડેપોએ પણ બે નવા રૂટ શરૂ કર્યા

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત હિંમતનગર ડિવિઝન હેઠળ હિંમતનગર અને ઈડર એસટી ડેપો દ્વારા મુસાફરોની સુવિધા માટે લાંબા અંતરના ત્રણ નવા રૂટ શરૂ કરવામાં આવ્યા છે. હિંમતનગર ડેપો દ્વારા સાવરિયાશેઠ(રાજસ્થાન) માટે વેકેશન સ્પેશિયલ બસ સેવા શરૂ કરવામાં આવી છે, જ્યારે ઈડર ડેપો દ્વારા અંબાજી-જૂનાગઢ અને ઈડર-બોડેલી નવા રૂટ શરૂ કરાયા છે. જેના કારણે મુસાફરો અને દર્શનાર્થીઓને અવરજવર માટે વધુ સરળતા મળશે.
હિંમતનગર એસટી ડેપો દ્વારા ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને સોમવારથી બે સ્પેશિયલ બસો શરૂ કરવામાં આવી છે. આ બસો હિંમતનગરથી અમદાવાદ થઈ સાવરિયાશેઠ સુધી દોડશે. મુસાફરોના વધતા ઘસારાને પહોંચી વળવા માટે એસટી વિભાગ દ્વારા આ વિશેષ સેવા શરૂ કરવામાં આવી છે. એસટી વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ વેકેશન સ્પેશિયલ બસ સેવા ૨૫ મે ૨૦૨૬થી ૩૦ જૂન ૨૦૨૬ સુધી ચાલુ રહેશે.
હિંમતનગર એસટી ડેપોના મેનેજર એચ.આર. પટેલે જણાવ્યું હતું કે, વેકેશન દરમિયાન સાવરિયાશેઠ દર્શનાર્થે જતા ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરો તરફથી સારો પ્રતિસાદ અને પૂરતો ટ્રાફિક મળશે તો આ સ્પેશિયલ સેવાનો સમયગાળો આગામી દિવસોમાં વધુ લંબાવવા અંગે પણ વિચારણા કરવામાં આવશે.

સમયપત્રક મુજબ હિંમતનગરથી બસ સવારે ૮:૩૭ વાગ્યે અમદાવાદ જવા ઉપડશે અને સવારે ૧૦:૩૦ વાગ્યે પહોંચશે. ત્યારબાદ અમદાવાદથી સવારે ૧૧:૦૦ વાગ્યે સાવરિયાશેઠ જવા રવાના થશે અને સાંજે ૭:૦૦ વાગ્યે પહોંચશે. પરત ફરતી બસ સાવરિયાશેઠથી સવારે ૬:૦૦ વાગ્યે ઉપડશે અને બપોરે ૨:૦૦ વાગ્યે અમદાવાદ પહોંચશે. ત્યારબાદ બસ હિંમતનગર એસટી ડેપો સુધી આવશે.
બીજી તરફ ઈડર ડેપો દ્વારા મંગળવારથી અંબાજી-જૂનાગઢ અને ઈડર-બોડેલી નવા રૂટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય રમણ વોરા, પાલિકા પ્રમુખ અનસુયાબેન પટેલ, ઉપપ્રમુખ વિનોદભાઈ પરમાર, જીનલભાઈ સાગર સહિત પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાંતિ પટેલ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રમુખ અશ્વિન પટેલ, રણવીજયસિંહ ચંપાવત, ભાજપના કુણાલ કંસારા, નાગરિક બેંકના ચેરમેન પિકેશ શાહ, પિયુષ દવે, રાજેશ પરમાર, મનીષ શાહ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.




