હિંમતનગર પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના સવાલોથી સત્તાધારી પક્ષ બેકફૂટ પર

હિંમતનગર નગરપાલિકાની ગુરુવારે યોજાયેલી સામાન્ય સભામાં વિકાસ કામોના મુદ્દે વિપક્ષે સત્તાધારી પક્ષને ઘેરતા સભાખંડમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. એજન્ડામાં સમાવાયેલા વિવિધ વિકાસ કામોને લઈને વિપક્ષના નેતા ઈમરાન બાદશાહે સત્તાધારી પક્ષ અને વહીવટી તંત્ર સમક્ષ તીખા સવાલો ઉઠાવ્યા હતા.
વિકાસ કાર્યોની મંજૂરી, કામગીરીની પ્રક્રિયા અને અમલીકરણ અંગે સ્પષ્ટતા માંગતા વિપક્ષના નેતાએ ચીફ ઓફિસર પર પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. ચર્ચા દરમિયાન ચીફ ઓફિસર અને વિપક્ષના નેતા વચ્ચે શાબ્દિક ટપાટપી પણ સર્જાઈ હતી.
ખાસ વાત એ રહી કે વિપક્ષના આક્રમક વલણ સામે સત્તાધારી પક્ષના મોટાભાગના સભ્યો મૌન જોવા મળ્યા હતા. વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના સીધા જવાબ આપવાને બદલે સત્તાધારી પક્ષ ચર્ચાથી દૂર રહેતો દેખાતા સભાખંડમાં અનેક તર્ક-વિતર્કો સર્જાયા હતા.
સામાન્ય સભામાં વિકાસ કામોની પારદર્શિતા અને જવાબદારીના મુદ્દે વિપક્ષે સત્તાધારી પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે સામાન્ય સભામાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને લઈને આગામી સમયમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી શકે છે.
સામાન્ય સભાના આ ઘટનાક્રમે નગરપાલિકાના વિકાસ કાર્યો અને વહીવટી કામગીરીને લઈને અનેક પ્રશ્નો ઉભા કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સાબર રીપોર્ટર સમાચાર
કોઈપણ કિંમત પર સમાચાર
તંત્રી : બાદશાહ પઠાણ | મો. 9898693985




