હિંમતનગરમાં નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી
મહાવીરનગર–ખેડ તસિયા રોડ પર રસ્તો ધસી પડતાં ભારે વાહન ફસાયું, લાંબો ટ્રાફિક જામ

હિંમતનગર શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે. મહાવીરનગર–ખેડ તસિયા રોડ પર અચાનક રસ્તો ધસી પડતાં એક ભારે વાહન મસમોટા ખાડામાં ફસાઈ ગયું હતું. ઘટનાને પગલે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને કલાકો સુધી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ, ગટરની કામગીરી દરમિયાન પાણીની લાઇન તૂટી જતાં રસ્તાની નીચેની જમીન ધોવાઈ ગઈ હતી. જેના કારણે રોડ પર મોટો ખાડો પડ્યો હતો. તે દરમિયાન પસાર થઈ રહેલું ભારે વાહન ખાડામાં ફસાઈ જતાં માર્ગ સંપૂર્ણપણે અવરોધિત બન્યો હતો.
ઘટનાના પગલે સ્થળ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોએ નગરપાલિકાની બેદરકારી સામે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે પ્રી-મોન્સૂન કામગીરીના દાવા માત્ર કાગળ પર જ રહ્યા છે અને પ્રથમ વરસાદમાં જ માર્ગોની વાસ્તવિક સ્થિતિ સામે આવી ગઈ છે.
ઘટનાની જાણ થતાં નગરપાલિકાના અધિકારીઓ અને સંબંધિત વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. ભારે વાહનને બહાર કાઢવા તેમજ રસ્તાનું સમારકામ કરી ટ્રાફિક પૂર્વવત્ કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સ્થાનિકોએ માંગ કરી છે કે શહેરના અન્ય વિસ્તારોમાં પણ માર્ગો, ગટર અને પાણીની લાઇનની તાત્કાલિક તપાસ કરી જરૂરી સમારકામ કરવામાં આવે, જેથી ચોમાસા દરમિયાન આવી દુર્ઘટનાઓ અને જનહાનિ ટાળી શકાય.




