પ્રાંતિજના સાંપડ ગામે નદીમાં યુવાન ડૂબ્યો હોવાની આશંકા: ફાયર ટીમની બે કલાકની શોધખોળ નિષ્ફળ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલ સાંપડ ગામે સાબરમતી અને હાથમતી નદીઓના સંગમ સ્થળે એક યુવાન ડૂબી ગયો હોવાની આશંકાથી ભારે ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, યુવાન રાત્રિના સમયે પોતાના ઘરે પરત ફર્યો ન હતો. બાદમાં તે નદી કિનારે હોવાની બાતમી મળતાં નદીમાં ડૂબ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ બનાવ અંગે સાંપડ ગામના સરપંચ દ્વારા તત્કાલિક સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને પ્રાંતિજ ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ટીમ દ્વારા લાઈફ જેકેટ અને જરૂરી સાધનો સાથે નદીના ઊંડા પાણીમાં ઉતરીને યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
લગભગ બે કલાક સુધી સતત શોધખોળ કરવા છતાં યુવાનનો કોઈ પત્તો કે ભાળ ન મળતા આખરે ફાયર ટીમ પરત રવાના થઈ હતી. બનાવ અંગે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




