લાઇફ સ્ટાઇલ

હિંમતનગરમાં સહયોગ કુષ્ઠ યજ્ઞ સંસ્થા ખાતે નાગરિક સુવિધા કેમ્પ યોજાયો

કલેક્ટર લલિત નારાયણસિંગ સાંદુની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ; 750 લાભાર્થીઓને સ્થળ પર જ સરકારી યોજનાઓનો લાભ

સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણસિંગ સાંદુના માર્ગદર્શન હેઠળ અને હિંમતનગર મામલતદારશ્રી રોનક પઢારીયાના આયોજનથી હિંમતનગરના રાજેન્દ્રનગર ચોકડી સ્થિત સહયોગ કુષ્ઠ યજ્ઞ સંસ્થા ખાતે નાગરિક સુવિધા કેમ્પ યોજાયો હતો. કેમ્પ દરમિયાન કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં સંસ્થાના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

વૃક્ષારોપણ બાદ કલેક્ટરશ્રીએ કેમ્પની કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સંસ્થામાં રહેતા દર્દીઓ અને જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાઓનો સરળતાથી લાભ મળી રહે તે હેતુથી છેલ્લા દસ દિવસથી આ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેમ્પ દરમિયાન રાશનકાર્ડ, આધારકાર્ડ, આવકનો દાખલો, ઈ-શ્રમ કાર્ડ, એસ.ટી. બસ ફ્રી મુસાફરી પાસ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, હેલ્થ કાર્ડ સહિત વિવિધ સરકારી સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. દસ દિવસ દરમિયાન અંદાજે 750 લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ સ્થળ પર જ આપવામાં આવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે કેમ્પ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે, જેથી બાકી રહેલા દર્દીઓ અને જરૂરિયાતમંદ લોકો પણ સરકારી સેવાઓનો લાભ સરળતાથી મેળવી શકે.

કલેક્ટરશ્રીએ સંસ્થાની માનવસેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી. કેમ્પના સફળ આયોજન બદલ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી દીપક સુરેશભાઈ સોની અને ઇન્દિરાબહેને સમગ્ર સરકારી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે તલાટી ઝરણાબહેન સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!